- હું લંડનમાં ભારતીય હાઈ કમિશન કોમ્પ્લેક્સ અને ત્યાંના લોકો વિરુદ્ધ આજના ઘૃણાસ્પદ કૃત્યોની નિંદા કરું છું.: બ્રિટનના હાઈ કમિશનર
નવીદિલ્હી,
લંડનમાં ભારતીય હાઈ કમીશનની બિલ્ડિંગ પર તિરંગાને ખાલિસ્તાની સમર્થકો દ્વારા ઉતારવાના પ્રયાસની ઘટના બાદ ભારતે દિલ્હી સ્થિત બ્રિટીશ હાઈકમિશનને આ બાબતની સ્પષ્ટિકરણ માટે તેડુ મોકલ્યું છે. ભારતે ’સુરક્ષા વ્યવસ્થાની ગેરહાજરી’ બાબતે બ્રિટિશ રાજદ્વારી પાસેથી ખુલાસો માંગ્યો છે. તે જ સમયે, દિલ્હીમાં બ્રિટનના હાઈ કમિશનર એલેક્સ એલિસે એક ટ્વિટમાં કહ્યું, ’હું લંડનમાં ભારતીય હાઈ કમિશન કોમ્પ્લેક્સ અને ત્યાંના લોકો વિરુદ્ધ આજના ઘૃણાસ્પદ કૃત્યોની નિંદા કરું છું.
વિદેશ મંત્રાલયે સમગ્ર મામલે કડક વલણ અપનાવતા કહ્યું કે બ્રિટનમાં ભારતીય રાજદ્વારી પરિસર અને ત્યાં કામ કરતા લોકોની સુરક્ષા પ્રત્યે બ્રિટન સરકારની ઉદાસીનતા ભારતના ધ્યાને આવી છે. ભારત માટે આ સંપૂર્ણપણે સહનશીલતાની બહાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ સમગ્ર ઘટનાને જોતા બ્રિટનના ડેપ્યુટી હાઈ કમિશનર ક્રિસ્ટીના સ્કોટને વિદેશ મંત્રાલયમાં બોલાવવામાં આવ્યા છે કારણ કે હાઈ કમિશનર એલેક્સ એલિસ દિલ્હીમાં નથી.
વિદેશ મંત્રાલયે કહ્યું કે, ’ભારતે લંડનમાં ભારતીય હાઈ કમિશન વિરુદ્ધ અલગતાવાદી અને ઉગ્રવાદી તત્વો દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો સખત વિરોધ કર્યો છે અને નવી દિલ્હીમાં વરિષ્ઠ બ્રિટિશ રાજદ્વારીને બોલાવીને લંડનમાં સુરક્ષા વ્યવસ્થાની ગેરહાજરી માટે બ્રિટન પાસેથી ખુલાસો પણ માંગવામાં આવ્યો છે. આખરે આ તત્વો હાઈકમિશન પરિસરમાં કેવી રીતે ઘુસ્યા?
ઉલ્લેખનીય છે કે તિરંગાના આ અપમાનની ઘટના એવા સમયે બની હતી જ્યારે પંજાબમાં અમૃતપાલ સિંહની ધરપકડ માટે પોલીસે ભારતમાં કાર્યવાહી કરી હતી. આ મામલે વિદેશ મંત્રાલયે દિલ્હીમાં બ્રિટિશ રાજદ્વારીને સમન્સ પાઠવ્યું હતું. ભારતમાં બ્રિટનના કમિશનરે આ મામલે ટ્વિટ કરીને ઘટનાની આકરી ટીકા કરી હતી.
વિદેશ મંત્રાલયે કડક ભાષામાં બ્રિટનના રાજદ્વારી પાસે આ મામલે જવાબ માગ્યો હતો. તેમને સવાલ કરાયો હતો કે શું ત્યાંની બ્રિટિશ સિક્યોરિટી આ હુમલા સમયે શું કરી રહી હતી? વિયેના કન્વેન્શન અનુસાર સુરક્ષા બ્રિટનની જવાબદારી છે. આ પ્રકારની બેદરકારી સાંખી લેવાય તેમ નથી. આશા છે કે બ્રિટિશ સરકાર એ આરોપીઓની તાત્કાલિક ઓળખ કરી તેમની વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરશે.
આ મામલે ભારતમાં બ્રિટિશ હાઈકમિશન એલેક્સ એલિસે ટ્વિટ કરીને ભાગલાવાદીઓની આ હરક્તની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું કે હું લંડનમાં ભારતીય હાઈ કમિશનમાં લોકો વિરુદ્ધ પરિસરમાં કરાયેલા શરમજનક કૃત્યની આકરી ટીકા કરું છું. આ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.
બ્રિટનની રાજધાની લંડનમાં રવિવારે ખાલિસ્તાની સમર્થકોએ ભારતીય હાઈ કમિશન પર લહેરાવાયેલો તિરંગો ઉતારી ખાલિસ્તાની ઝંડો લગાવી દીધો હતો. જોકે હવે તેમને જડબાતોડ જવાબ ભારતીય હાઈ કમિશન તરફથી જ આપવામાં આવ્યો છે. ભારતીય હાઈ કમિશનની ઈમારત પર ફરી તિરંગો તો લહેરાવી જ દેવાયો અને સાથે જ એક વિશાળ તિરંગો પણ લગાવાયો હતો. હવે આ તસવીર પણ વાઈરલ થવા લાગી છે.