આજથી પાવાગઢ મંદિરમાં શ્રીફળ વધેરવા પર પ્રતિબંધ, ટ્રસ્ટના નિર્ણય સામે ભક્તો, વિહિપ અને બજરંગ દળે વિરોધ કર્યો

પાવાગઢ,

પાવાગઢ મંદિરમાં છોલેલું શ્રીફળ લઈ જવા તેમજ વધેરવા પર આજથી પ્રતિબંધ લાગુ થઈ રહ્યો છે. ત્યારે પાવાગઢ માચી ખાતે શ્રીફળ વધેરવા અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. પાવાગઢ માચી ખાતે નારિયેળ વધેરવા માટે મંદિર ટ્રસ્ટે મશીન મુક્યું છે. જેથી ભક્તો પાવાગઢ ડુંગર પર માતાજીના દર્શન કરીને પાવાગઢ માચીએ છોલેલું શ્રીફળ વધેરી શકશે. મહત્વનું છે કે, મંદિરમાં શ્રીફળ વધેરવા પર આજથી પ્રતિબંધ ફરમાવ્યો છે. મંદિર પરિસરમાં થતી ગંદકીને લઈને ટ્રસ્ટે નિર્ણય કર્યો છે.

ટ્રસ્ટના નિર્ણય પ્રમાણે, માતાજીના દર્શને આવતા માઇ ભક્તો છોલેલું શ્રીફળ નહીં લઇ જઇ શકે. ભક્તો મંદિરમાં માત્ર આખું શ્રીફળ જ લઇ જઇ શકશે. ભક્તો મંદિર નીચે ઉતરીને જ છોલેલું શ્રીફળ વધેરી શકશે એટલું જ નહીં જો વેપારીઓ છોલેલું શ્રીફળ વેચશે તો તેમની સામે પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા મંદિરના ટ્રસ્ટીઓએ વોટ્સએપથી મંદિરમાં શ્રીફળ વધેરવા પર પ્રતિબંધનો નિર્ણય જાહેર કર્યો હતો. જેમાં ઉલ્લેખ કરાયો હતો કે મંદિરમાં થતી ગંદકીને રોકવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે.

ટ્રસ્ટીઓનું કહેવું છે કે પાવાગઢ મંદિરમાં જગ્યા ઓછી છે અને ભક્તો શ્રીફળ વધેરીને ત્યાં જ મુકે છે જેથી ગંદકી થાય છે. એટલું જ નહીં શ્રીફળનો કચરો પહાડ પરથી નીચે ઉતારવો પણ મુશ્કેલ હોવાનો દાવો કર્યો છે. તો બીજી તરફ ટ્રસ્ટના નિર્ણય સામે ભક્તો,વિહીપ અને બજરંગ દળ સહિતા લોકો વિરોધ નોંધાવી રહ્યાં છે.