વલસાડ,
વલસાડના ધરમપુરના ધામણી ગામમાં યુવતીએ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. પ્રેમીના ઘરે રહેતી ૨૦ વર્ષીય યુવતીએ આપઘાત કર્યો છે. માહિતી મુજબ યુવતી છેલ્લા ૯ મહિનાથી પ્રેમીના ઘરે રહેતી હતી, આપઘાતને પગલે આસપાસના વિસ્તારોમાં ચકચાર મચી ગઈ છે.
જો કે યુવતીએ ક્યા કારણોસર આત્મહત્યા કરી તે જાણી શકાયુ નથી. ઘટનાની જાણ થતા ઘરમપુર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ અર્થ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ પહેલા સુરતના ડીંડોલી વિસ્તારમાં પરિણીતાએ સાસરિયાના ત્રાસથી ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.લગ્નના સમયે ૧૦ તોલા સોનું આપ્યું હોવા છતા પતિ સહિતના સાસરિયાઓ વધુ પાંચ તોલા સોનું માંગતા હતા. જેથી પરિણીતાએ લગ્ન વર્ષગાંઠના દિવસે જ ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. મૃતકના પિતાએ ડીંડોલી પોલીસ મથકે પરિણીતાના પતિ, સાસુ, સસરા અને નણંદ વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાનો ગુનો દાખલ કર્યો છે.
આપને જણાવી દઈએ કે, નેહાના લગ્ન ૧૪ માર્ચ ૨૦૧૭માં ભગવાન નથ્થુ બોરસેના દિકરા વિનોદ બોરસે સાથે થયા હતા. જે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. લગ્ન બાદ તે સુરતમાં ડીંડોલી ખાતે શ્યામવીલા રેસીડેન્સીમાં તેના પતિ, સાસુ સાથે રહેતી હતી.