ઝાલોદ નગર પાલિકાની સમસ્યાઓને લઈ નગરના લોકોનું વહીવટદાર અને ચીફ ઓફીસરને લેખિત રજૂઆત

  • પાટીદાર સમાજના લોકો વતી અનુપ પટેલ દ્વારા મૌખિક રજુઆત.

ઝાલોદ,

ઝાલોદ નગરમાં છેલ્લા કેટલાંક દિવસોથી નગર અનેક અસમસ્યાઓનો સામનો કરી રહેલ છે. તેને લઈ નગરના લોકોએ ભેગા થઈ નગર પાલિકા વહીવટદાર ઝાલાને લેખિતમાં રજૂઆત કરી હતી.

પહેલી સમસ્યામાં નગર પાલિકા દ્વારા વીજ બિલની ચૂકવણી ન કરાતા વીજ કંપની દ્વારા નગરની સ્ટ્રીટ લાઇટની લાઇન કાપી નાખવામાં આવી છે. નગરની સ્ટ્રીટ લાઇટ કપાતા સાંજે 7 વાગ્યા પછી આખા નગરમાં અંધારપટ છવાઈ જાય છે, તેને લઈ નગરજનોમાં નગર પાલિકાના વહીવટને લઈ નગરજનોમાં આક્રોશ જોવા મળતો હતો. અંધારપટ છવાતાં નગરમાં ચોરીની સમસ્યા ન વકરે તે માટે ચિંતિત જણાતા હતા. તેમજ અંધારપટને લીધે મહિલાઓને કામ માટે બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે તેમજ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ધરાવનાર વ્યક્તિ દ્વારા મહિલાઓની સલામતી જોખમાય તેવું પણ બની શકે તે માટે નગરના લોકો દ્વારા વહીવટદારને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે.

બીજી રજૂઆતમાં નગરમાં ગેસ એજન્સી દ્વારા ખાડા ખોદવામાં આવેલ છે. તે ખાડા કમોસમી વરસાદને લીધે જોખમી બની ગયેલ છે, તો સત્વરે તે ખાડા ભરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી.

ત્રીજી સમસ્યામાં હાલ નગરમાં પીવાનું પાણી પ્રદૂષિત આવે છે, તેને લઈ બીમારીઓ નગરમાં ન પ્રસરે તેમજ પ્રદુષિત પાણી કેમ આવે છે. તેનું નિરાકરણ કરવા રજૂઆત કરવામાં આવી હતી.

ચોથી રજૂઆત મુજબ નગરમાં દરેક વિસ્તારમાં રસ્તાઓ નગર પાલિકાની કામગીરીની ચાડી ખાતા જોવા મળે છે. તૂટેલા રસ્તાઓને લઈ કોઈ અકસ્માત કે જાનહાની બનવાના બનાવો બની શકે તે માટે નગરના રસ્તાઓ રીપેંરીંગ કરવા માટે માંગણી કરવામાં આવી હતી.

પાંચમી રજૂઆતમાં નગરમાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં બનેલ ડિવાઇડરની અધુરી કામગીરી પુરી કરવા રજૂઆત કરાઇ હતી. તેમજ એક બાજુના ડિવાઇડર રોડ આખો ઉખડી ગયેલ જોવા મળી રહેલ છે, તેમજ બીજી બાજુના રસ્તામાં કામોસમી વરસાદ આવતા પાણી ભરાઈ જતાં તે માટે પણ નગરજનો દ્વારા ચોમાસુ આવતા પહેલા ગટર લાઇન બનાવી અપાય તે માટે રજૂઆત કરાઇ હતી. જેથી ચોમાસામાં આ વિસ્તારમાં પાણી ન ભરાય તેમજ વાહન વ્યવહાર ન ખોરંભાય તે માટે સહુની સલામતી માટે મંજુર થયેલ ગટર લાઈન બનાવી આપવામાં આવે તેવી રજૂઆત કરાઇ હતી.

છઠ્ઠી રજૂઆત નગરમાં ચાલતા પાણીના ભૂતિયા કનેક્શન વિશે કરવામાં આવી હતી નગરમાં નગર પાલિકા દ્વારા અપાતા પાણીમાં ગેરકાયદેસર રીતે ભૂતિયા કનેક્શન જેની પાસે હોય તે બધા પાણીના કનેક્શન કાપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

સાતમી રજૂઆત મુજબ નગરપાલિકા દ્વારા નગરમાં ત્રણ ખૂણામાં ત્રણ દરવાજા બનાવવામાં આવી રહ્યા છે. જવાબદાર કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી ઝડપી રીતે પૂરી કરવામાં આવી નથી રહી તો તે કામગીરી ઝડપી પુરી કરવામાં આવે જો જવાબદાર કોન્ટ્રાક્ટર કામગીરી ઝડપી પુરીના કરે તો તેના વિરૂદ્ધ કાયદેસરના પગલાં લેવા માટે માંગ કરવામાં આવી હતી.

આઠમી માંગણી મુજબ મુવાડા થી માળીની વાડી થઇ જતો રસ્તો સત્વરે બનાવી આપવા માટે માંગણી કરાઈ હતી. જવાબદાર કોન્ટ્રાક્ટરને નગર પાલિકા દ્વારા કેટલીય વાર નોટીસ આપવા છતાંય ત્યાંના રસ્તાની કામગીરી કરવામાં આવી રહી નથી તો જવાબદાર કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ પગલાં લઈ રસ્તો જલ્દી બનાવી આપવા માંગ કરવામાં આવી હતી. આ બધી માંગણી નગર પાલિકા વહીવટદાર અને ચીફ ઓફિસર સમક્ષ નગરજનો દ્વારા કરવામાં આવી હતી.

મુવાડા પાટીદાર સમાજના આગેવાનો ખૂબ મોટા પ્રમાણમાં નગર પાલિકા આવી પહોંચ્યા હતા. તેમજ પાટીદાર સમાજ વતી અનુપ પટેલ દ્વારા બસ સ્ટેન્ડ વિસ્તારના રોડની કામગીરી, મુવાડા થી માળીની વાડીમાં જતા રસ્તો બનાવવા, નગરની સ્ટ્રીટ લાઇટ, ભૂતિયા પાણીના કનેક્શન, નગરમાં બનતા ત્રણ દરવાજા, ડોહળા પાણીની સમસ્યા આ બધી સમસ્યાઓની મૌખિક ધારદાર રજૂઆત અનુપ પટેલ દ્વારા આપવામાં આવી હતી. તેમજ આવનાર સમયમાં મુવાડા થી માળીની વાડીનો રસ્તો તેમજ નવીન બસ સ્ટેશન વિસ્તારમાં નવિન ડિવાઇડર પાસે ગટર લાઈન તેમજ સ્ટ્રીટ લાઇટ જેવી સમસ્યાઓ પર ધ્યાન આપવામાં નહીં આવે તો મુવાડા પાટીદાર સમાજ રોડ રોકો આંદોલન કરવામાં આવશે તેવી પણ ચીમકી અનુપ પટેલ દ્વારા ઉચ્ચારવામા આવી હતી.

ઝાલોદ નગરના વહીવટદાર ઝાલા અને ચીફ ઓફીસર હઠીલા દ્વારા બધી સમસ્યાઓને ગંભીરતાથી લઇ સત્વરે પૂરી કરવા બાંહેધરી આપવામાં આવી હતી.