વિશ્ર્વ ચકલી દિવસે પ્રકૃતિ પ્રેમી દ્વારા મહેશ્ર્વરી સોસાયટીના 100 ધરોમાં ચકલી માળાનું વિતરણ કરાયું

ગોધરા,

એક સમય હતો જ્યારે ચકલીની ચિચિયારી ગામડા અને શહેરોમાં તેમજ ફળિયામાં ગુંજતી હતી, પરંતુ બદલાતા સમયની સાથે ધીમેધીમે ચકલીઓની પ્રજાતી લુપ્ત થઇ રહી છે અને ચકલીનો કલરવ સાંભળવો દોહલો બન્યો છે. આથી ચકલીની પ્રજાતીને લુપ્ત થતી અટકાવવા સમગ્ર વિશ્ર્વમાં આજે 20 માર્ચના રોજ ‘વિશ્ર્વ ચકલી દીવસ’ની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ અહીં સવાલ એ છે કે, વિશ્ર્વ ચકલી દિવસની ઉજવણી સાથે શું ખરેખર ચકલીના બચાવ માટે કોઇ નક્કર કામગીરી થાય છે? તે એક મોટો સવાલ છે.

ત્યારે આજે 20મી માર્ચ વિશ્ર્વ ચકલી દિવસ છે અને ચકલીની પ્રજાતિ જે લુપ્ત થતી જાય છે. તેને બચાવવા માટે ગોધરાના જાણીતા ભગવતી પ્રસાદ સીકલીગર છેલ્લા દસ વર્ષથી ચકલી બચાવ અભિયાન ચલાવે છે. તેના ભાગરૂપે 20મી માર્ચે દરેક પ્રકૃતિ પ્રેમી સંસ્થાઓ પાસેથી ચકલીઓના માળાઓ મેળવીને અથવા તો જાતે તૈયાર કરીને ગોધરાની જનતાને ઘરે ઘરે જઈ આપી રહ્યા છે.

ગોધરામાં આવેલા આદ્ય મહેશ્ર્વરી સોસાયટીમાં રહેતા 100થી વધુ ઘરોમાં ચકલીઓના માળાનું વિતરણ કર્યું હતું. જેના લીધે પર્યાવરણની જાળવણી થાય તે માટે આ ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે.

હાલમાં ધરાબેન સિકલીગર પોતાના સસરા ભગવતી પ્રસાદ સીકલીગર સાથે છેલ્લા દસ વર્ષથી ચકલી બચાવો અભિયાન સાથે કામ કરી રહ્યા છે. ત્યારે તેમની સાથે તેઓ પણ સહભાગી બની અલગ અલગ સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલા ચકલીઓના માળાઓ તેમજ ચકલીઓની કેવી રીતે અવરનેસ કરવી તેના વિશે લોકોને માહિતી આપે છે.

જરૂર લાગે તો લોકોને ચકલીઓના માળા આપે છે. આજે વિશ્ર્વ ચકલી દિવસ છે. ત્યારે, ગોધરામાં આવેલા આદ્ય મહેશ્ર્વરી સોસાયટીમાં 100થી વધુ લોકોને ચકલીઓના માળાનું નિ:શુલ્ક વિતરણ કર્યું હતું.