હાલોલ,
હાલોલના રહિશના પિતાની કોરોનાની સારવારના કલેઈમના નાણાં ચુકવવા ગલ્લા તલ્લા કરતા પંચમહાલ ગ્રાહક કોર્ટમાં આ બાબતનો કેસ કરતા કોર્ટે ગ્રાહકને સારવારના ખર્ચના નાણાં વ્યાજ સહિત ચુકવવા ઈન્સ્યોરન્સ કંપનીને હુકમ કર્યો છે.
હાલોલની રણછોડ નગર સોસાયટીમાં રહેતા ડો.ધર્મેશ વરીયાએ પરિવારના સભ્યો માટે ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સ કંપનીની કોરોના કવચ પોલિસી વર્ષ-2020/21માં લીધી હતી. તેમના પિતા જયંતિલાલ મંગળદાસ વરીયા(ઉ.વ.64)ને તા.07/04/2021ના રોજ કોરોનાના લક્ષણો જણાતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. તેમની સારવારનો કુલ ખર્ચ 81,541/-થયો હતો જે માટે તેમણે ઈન્સ્યોરન્સ કંપનીમાં સારવારના નાણાં મેળવવા માટે કલેઈમ કર્યો હતો. પરંતુ કંપનીએ આર.ટી.પી.સી.આર.રિપોર્ટ નેગેટિવ હોઈ તેમજ સિટી સ્કોર 8થી ઓછો હોવાનુ ટેલિફોનીક જણાવી કલેઈમના નાણાં ચુકવવા ગલ્લા તલ્લા કરતા ધર્મેશભાઈએ પંચમહાલ ગ્રાહક તકરાર નિવારણ કમિશન-ગોધરા ખાતે ફરિયાદ દાખલ કરી હતી. જેમાં કેસ ચાલી જતા ગ્રાહક કોર્ટે ઈન્સ્યોરન્સ કંપનીને ગ્રાહકના સારવાર રૂ.81,541/-અરજી કર્યાની તારીખથી 6 ટકા વ્યાજ સહિત બે માસમાં ચુકવી આપવા તેમજ માનસિક ત્રાસ ખર્ચ 2000 તથા કાનુની ખર્ચ 2000મળી કુલ 4000 પણ ચુકવી આપવાનો હુકમ કર્યો હતો.