શ્રીનગર,
જમ્મુ અને કાશ્મીરના સાંબામાં, પોલીસે સ્થાનિક લોકો માટે ચેતવણી જારી કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, સાંબાના રામગઢ સબ-સેક્ટરમાં એક દીપડો પાકિસ્તાન સરહદ પાર કરીને ભારતીય સીમામાં ઘૂસી ગયો છે, જેના માટે સરહદી વિસ્તારોમાં રહેતા સ્થાનિક લોકો માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સાથે પોલીસ પણ એલર્ટ પર છે, અધિકારીઓનું કહેવું છે કે દીપડાની શોધ ચાલુ છે, જેથી તેને પકડી શકાય.
બીએસએફ દ્વારા પાકિસ્તાન બોર્ડરથી ભારતીય સીમામાં ઘૂસેલા દીપડાનો વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે, દીપડો શનિવારે સાંજે લગભગ ૭ વાગે ભારતીય સરહદમાં ઘુસી ગયો હતો, જેની શોધ ચાલુ છે.
પાકિસ્તાન તરફથી ભારતીય સરહદમાં ઘૂસેલા દીપડાના કારણે સરહદી વિસ્તારોમાં રહેતા લોકોમાં ભયનો માહોલ છે. નાના બાળકો અને વૃદ્ધોને પણ ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત લોકો ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. બીજી તરફ પોલીસ પણ લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી રહી છે. દીપડાને પકડવા માટે વન વિભાગની ટીમનો પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે. અધિકારીઓનું કહેવું છે કે તેઓ ટૂંક સમયમાં દીપડાને પકડી લેશે.