ભારતીય જનતા પક્ષના નેતાના નિવેદનથી શિંદે ગ્રૂપમાં નારાજી

મુંબઇ,

મહારાષ્ટ્રના સત્તાસંઘર્ષના મામલે સુપ્રીમ કોર્ટનો ફેંસલો આવ્યો નથી ત્યાં જ ભારતીય જનતા પક્ષ અને શિંદે-સેના વચ્ચેની નારાજી બહાર આવવા માંડી છે. આને લીધે આવનારા દિવસોમાં રાજકીય પરિસ્થિતિ પલ્ટાવા અનુમાન થવા માંડયું છે.

ભાજપ ફૂંફાડો મારીને હવે શિંદે-સેનાને દબાવવા માંગતી હોય એવા સૂરમાં મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ ખોંખારો ખાઈને કહ્યું હતું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ૨૪૦ બેઠક પર ચૂંટણી લડશે, જ્યારે શિંદે ગુ્રપને માત્ર ૪૮ બેઠકો ફાળવવામાં આવશે. કારણ કે તેમની પાસે ધારાસભ્યો કે નેતાઓ પણ નથી.

નાગપુરમાં પત્રકારોને સંબોધતા ચંદ્રશેખર બાવનકુળેએ આ જાહેરાત કરતા શિંદે ગ્રૂપમાં નારાજી વ્યાપી છે. આ અંગેનો બાવનકુળેનો વિડિયો વાઇરલ થતાં ચોફેરથી ટીકાઓ થઈ રહી છે. હવે આ નિવેદન પર બચાવ તેઓ કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

વિધાનસભાની બેઠક માટે ભાજપ અને શિંદે ગ્રુપ વચ્ચે હજી કોઈ ફોર્મ્યુલા જાહેર થઈ નથી. ત્યાં બાવનકુળેએ સીધું રાજ્યની ૨૮૮ બેઠક પૈકી ભાજપ ૨૪૦ બેઠક અને શિંદે ગ્રૂપને ૪૮ બેઠક ફાળવશે. શિંદે ગ્રુપ પાસે ૫૦ જેટલા ધારાસભ્ય કે નેતા નથી. આવા નિવેદનથી શિંદે ગ્રૂપના ધારાસભ્યો રોષે ભરાયા છે.

જોકે બાવનકુળેએ કર્યું કે વાઇરલ થયેલો વિડિયો અડધો બતાવ્યો છે. જગ્યા ફાળવવાનો નિર્ણય કેન્દ્ર અને રાજ્યના નેતૃત્વ લેશે. શિવસેના અને ભાજપ મળીને ૨૮૮ બેઠક પર ચૂંટણી લડશે. એમાં એનડીએના અન્ય ઘટક પક્ષનો પણ સમાવેશ થાય છે, એમ ચંદ્રશેખર બાવનકુળેએ ફેરવી તોળ્યું હતું. વધુમાં તેમણે પત્રકારોને કહ્યું હતું કે શિવસેના ભાજપ અને એનડીએના બધા ઘટક પક્ષો મળીને ૨૮૮ બેઠક પર ભાજપ પ્રચંડ કામ કરી રહી છે. ભાજપે જેટલી તૈયારી કરી છે તેટલી શિંદે ગ્રૂપની શિવસેનાના કામમાં આવશે. ઉદ્ધવ ટાકરે ગ્રૂપના કેટલાકના ધારાસભ્યો તથા પદાધિકારીઓ શિંદે ગ્રૂપમાં પ્રવેશ કરશે એવો દાવો બાવનકુળેએ કર્યો હતો.

બાવનકુળેના નિવેદનથી શિંદે ગ્રૂપના નેતા તથા ધારાસભ્ય સંજય શિરસાટે તથા અન્ય ધારાસભ્યોએ કહ્યું કે અમે ૧૩૦થી ૧૪૦ બેઠક પર ચૂંટણી લડીશું. સિનિયર સ્તરે મિટિંગ યોજીને બેઠક ભાળવણીની ફોર્મ્યુલા જાહેર થવા દો. તમને કોણે અધિકાર આપ્યો છે, એમ કહીને બાવનકુળે પર પસ્તાળ પાડી રહ્યા છે. બાવનકુળેના નિવેદનથી શિંદે ગ્રૂપના ધારાસભ્યોમાં અસંતોષ ફેલાતા બન્ને પક્ષ વચ્ચે તિરાડ પડી રહી હોવાનું નજરે પડે છે. રાજકી. વર્તુળોમાં આ મામલે અનેક અટકળો ઊભી થઈ છે.