સુપરસ્ટાર રજનીકાંત ઉદ્ધવ ઠાકરેને તેમના નિવાસસ્થાને મળ્યા

મુંબઈ,

સુપરસ્ટાર રજનીકાંત શિવસેના (યુબીટી)ના નેતા ઉદ્ધવ ઠાકરેને તેમના મુંબઈ સ્થિત નિવાસસ્થાને મળ્યા હતા. પાર્ટીના એક નેતાએ કહ્યું હતું કે આ એક સૌજન્ય મુલાકાત હતી, કારણ કે પીઢ અભિનેતા શિવસેનાના સ્થાપક દિવંગત બાળ ઠાકરેના પ્રખર સમર્થક છે. રજનીકાંત અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે થયેલી બેઠક બિનરાજકીય હતી, એવું નેતાએ વધુમાં કહ્યું હતું.

ઉદ્ધવ ઠાકરેની પત્ની અને તેમના દીકરા આદિત્ય અને તેજસે બાંદ્રા સ્થિત તેમના નિવાસસ્થાન માતોશ્રી ખાતે અભિનેતાનું સ્વાગત કર્યું હતું. ભૂતપૂર્વ પ્રધાન અને વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ રજનીકાંતનું પુષ્પગુચ્છ અને શાલ સાથે સ્વાગત કર્યું હતું અને તેમના પરિવારનો ફોટો ટ્વિટ કર્યો હતો. આદિત્યએ ટ્વિટમાં એમ પણ કહ્યું હતું કે સુપરસ્ટાર રજનીકાંતને માતોશ્રી પર ફરી એક વાર મળવાનો આનંદ હતો. રજનીકાંત ઓક્ટોબર, ૨૦૧૦માં માતોશ્રી ખાતે બાળ ઠાકરેને મળ્યા હતા.