મધ્યપ્રદેશ પ્લેન ક્રેશમાં ગુજરાતની દીકરીનું મોત, પિતાએ આકાશમાં ઉડવા મોકલી હતી

ભુજ,

ગત રોજ મધ્યપ્રદેશ બાલાઘાટમાં એક મોટી દુર્ઘટના બની હતી. બપોરના સમયે એક ચાર્ટર પ્લેન ક્રેશ થયુ હતં. જેમાં બે પાયલટના મોત નિપજ્યા હતા. ત્યારે ગુજરાત માટે દુખદ સમાચાર એ છે કે, મધ્યપ્રદેશમાં પ્લેન ક્રેશ થતા કચ્છના ગાંધીધામની પાયલોટ યુવતીનુ મોત નિપજ્યું છે. આશાસ્પદ પાયલટ વૃષંકા ચંદનભાઈ માહેશ્ર્વરીનુ પ્લેન ક્રેશમાં મોત થયું છે. ગાંધીધામની જાણીતી માહેશ્ર્વરી શીપીંગ કંપનીના પરિવારની દીકરીના મૃત્યુથી શોકની લાગણી પ્રસરી ગઈ છે.

મધ્યપ્રદેશના બાલાઘાટના જંગલમાં ગઈકાલે એક ટ્રેઈની ચાર્ટર પ્લેન ક્રેશ થયું હતું. જેમાં ગાંધીધામની પાયલટ યુવતી સહિત ૨ ટ્રેઈની પાયલટના મોત નિપજ્યાં છે. મધ્યપ્રદેશના ભક્કટોલામાં આ પ્લેન ક્રેશ થયું હતું. જેમાં ગાંધીધામની જાણીતી માહેશ્ર્વરી શિપીંગ કંપનીના પરિવારની પુત્રીનું મોત થયું છે.

આ પ્લેનમાં ગાંધીધામની વૃષંકા ચંદનભાઈ મહેશ્ર્વરી ટ્રેઈની પાયલટ તરીકે સવાર હતી, તો તેની સાથે ઈન્સ્ટ્રક્ટર મોહિત કુમાર સવાર હતા. બંનેનું મોત નિપજ્યું હતું. વૃષંકા ગાંધીધામની જાણીતી માહેશ્ર્વરી હેન્ડલિંગ પેઢીના પાર્ટનર ચંદન માહેશ્ર્વરીની પુત્રી હતી. ત્યારે દીકરીના મોતથી મહેશ્ર્વરી પરિવારમાં માતમ છવાયો છે. ઘટનાની જાણ થતા જ પરિવાર આઘાતમાં ગરકાવ થયો હતો.

વૃષંકાએ નિયમ મુજબ ૧૦૦ કલાકનું ફ્લાયિંગ પૂર્ણ કરી દીધું હતું અને તેને પાયલટ તરીકે પ્લેન ઉડાવવા મંજૂરી પણ મળી ગઈ હતી. જોકે, આ અકસ્માત કેવી રીતે થયો તેની હજી જાણ થઈ નથી. પરંતુ અકસ્માત સમયે પ્લેનનું છેલ્લું લોકેશન ૩.૪૫ કલાકે કિરણાપુર પાસે જોવા મળ્યું હતું.