- ખાલીસ્થાન સમર્થક અમૃતપાલ સિંહની ધરપકડ
- પંજાબ પોલીસે આજે રવિવારે અમૃતપાલ સિંહને કસ્ટડીમાં લીધો
- પોલીસે ટ્વીટ કરી લોકોને શાંતિ જાળવવા કરી અપીલ
ખાલીસ્થાન સમર્થક અમૃતપાલ સિંહને દબોચી લેવામાં પંજાબ પોલીસને સફળતા સાંપડી છે. પંજાબ પોલીસે આજે રવિવારે અમૃતપાલ સિંહને કસ્ટડીમાં લીધો છે મહત્વનું છે કે અમૃતપાલ સિંહ શાહકોટમાં હતો અને આત્મસમર્પણ કરવા માંગતો હતો. અમૃતપાલ સિંહ અને તેના સમર્થકો સામે શનિવારે પોલીસે મોટી કાર્યવાહી શરૂ કરી હતી. બાદમાં પોલીસે અમૃતપાલસિંહની કારનો પીછો કર્યો હતો. જોકે આ દરમિયાન તે પોલીસને હાથ તાળી આપી નાશી છૂટવામાં સફળ રહ્યો હતો.
આ મામલે જાણવા મળતી પ્રાથમિક વિગતે અનુસાર અમૃતપાલ સિંહના નેતૃત્વ વાળી ‘વારીસ પંજાબ દે’ ના 112 જેટલા સમર્થકોને પણ ઝડપી લેવામાં આવ્યા હતા. આ ઓપરેશન દરમિયાન મોટા પ્રમાણમાં હથિયારોનો જથ્થો પણ ઝડપી લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. પંજાબ પોલીસે ટ્વિટ કરી જણાવ્યું કે અમૃતપાલસિંહ વિરુદ્ધ ઓપરેશન દરમિયાન પોલીસ અને કેન્દ્રીય દળો દ્વારા રાજ્યમાં ફ્લેગમાર્ક પણ કરવામાં આવી છે. બીજી તરફ અટકાયતના સમાચારને લઈને પોલીસે ટ્વીટ કરી લોકોને શાંતિ જાળવવા પણ અપીલ કરી છે.
પોલીસે જણાવ્યું કે અમૃતપાલસિંહ પાસેથી અત્યાર સુધીમાં 315 બોરની એક રાઈફલ, 12 બોર્ડની સાત રાઇફલ અને એક રિવોલ્વર સહિત 373 કારતુસ મળી કુલ 9 હથીયાર મળી આવ્યા છે. જેને લઈને તેના અને તેમના સમર્થકો વિરુદ્ધ ગેરકાયદે હથિયાર મામલે પણ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. બીજી બાજુ અમૃતપાલસિંહની અટકાયતને પગલે પંજાબમાં કાયદો અને વ્યવસ્થા જોખમાય નહિ તે માટે સુરક્ષા વધારી નેટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. જે સોમવાર બપોર સુધી બંધ રહે તેવું અધિકરીઓએ કહ્યું હતું.