નવીદિલ્હી,
ભારતે આવતા મહિને એપ્રિલમાં યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફને આમંત્રણ આપ્યું છે. એસસીઓ સંરક્ષણ મંત્રીઓની બેઠકમાં સભ્ય દેશોને ઔપચારિક રીતે આમંત્રણ આપવામાં આવ્યું છે.
એસસીઓના સભ્ય દેશોમાં ભારત, ચીન, કઝાકિસ્તાન, કિગસ્તાન, પાકિસ્તાન, રશિયા, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનનો સમાવેશ થાય છે અને હાલમાં ભારત આ સંગઠનનું પ્રમુખ છે.રાજદ્વારી સૂત્રોએ જણાવ્યું કે ભારત સરકારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને ઔપચારિક રીતે આમંત્રણ આપ્યું છે. જો કે, ભારતે પાકિસ્તાનના આ અહેવાલ પર હજુ સુધી કોઈ તાત્કાલિક પુષ્ટિ કરી નથી. ભારતે અગાઉ પાકિસ્તાનના મુખ્ય ન્યાયાધીશ ઉમર અતા બંદિયાલને પણ એસસીઓના મુખ્ય ન્યાયાધીશોની બેઠકમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું. આ સાથે જ એસસીઓ વિદેશ મંત્રીઓની બેઠક માટે પાકિસ્તાનના વિદેશ મંત્રીને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.
જોકે, પાકિસ્તાનના મુખ્ય ન્યાયાધીશ એસસીઓના મુખ્ય ન્યાયાધીશની બેઠકમાં હાજર રહ્યા ન હતા. તેમના બદલે જસ્ટિસ મુનીબ અખ્તર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેમાં જોડાયા હતા. એપ્રિલમાં યોજાનારી એસસીઓના રક્ષા મંત્રીઓની બેઠક બાદ સંગઠનના વિદેશ મંત્રીઓની બેઠક મે મહિનામાં ગોવામાં યોજાવા જઈ રહી છે. પાકિસ્તાન સરકારનું કહેવું છે કે ભારતમાં આ બેઠકોમાં વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી કે રક્ષા મંત્રી ખ્વાજા આસિફ હાજરી આપશે કે કેમ તે અંગે તેઓએ હજુ સુધી નિર્ણય લીધો નથી.
પાકિસ્તાનના વિદેશ મંત્રી ઉપરાંત ભારતે ચીનના વિદેશ મંત્રી કિન ગેંગને પણ એસસીઓ બેઠકમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયનું કહેવું છે કે યોગ્ય સમય આવવા પર આ અંગે નિર્ણય લેવામાં આવશે. જો આ બેઠકમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી અંગત રીતે ભાગ લે છે, તો ૨૦૧૧ પછી આ કોઈપણ પાકિસ્તાની વિદેશ મંત્રીની ભારતની પ્રથમ મુલાકાત હશે.