નવીદિલ્હી,
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડી.વાય.ચંદ્રચૂડને ઓનલાઇન ટ્રોલ કરવા મામલે ૧૩ વિપક્ષી દળોના નેતાઓએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુને પત્ર લખ્યો હતો. ન્યાયના માર્ગમાં હસ્તક્ષેપનો આરોપ મૂક્તાં નેતાઓએ આ મામલે રાષ્ટ્રપતિને તાત્કાલિક એક્શન લેવાની માગ કરી હતી.
રાષ્ટ્રપતિને લખેલા પત્રમાં વિપક્ષી દળોએ કહ્યું કે અમે બધા જાણીએ છીએ કે ભારતના માનનીય સીજેઆઈ ડી.વાય.ચંદ્રચૂડના નેતૃત્વ હેઠળની સુપ્રીમકોર્ટની બંધારણીય બેન્ચ મહારાષ્ટ્રમાં સરકારની રચના અને રાજ્યપાલની ભૂમિકા અંગે એક મહત્ત્વપૂર્ણ બંધારણીય મુદ્દા પર સુનાવણી કરી રહી છે. પત્રમાં કહેવાયું છે કે આ મામલો ન્યાયાધીન છે. આ દરમિયાન મહારાષ્ટ્રમાં સત્તાધારી પાર્ટીના હિત માટે સંભવિત રીતે સહાનુભૂતિ ધરાવતી ટ્રોલ આર્મીએ ભારતના માનનીય સીજેઆઈ વિરુદ્ધ એક આક્રમક્તા બતાવી છે.
૧૬ માર્ચે લખવામાં આવેલા પત્રમાં કહેવાયું છે કે સીજેઆઈ વિરુદ્ધ વાપરવામાં આવી રહેલા શબ્દો અને કન્ટેન્ટ અશ્લીલ અને ટીકાને પાત્ર છે. સોશિયલ મીડિયા પર લાખો લોકો તેને જોઈ રહ્યા છે. આ પત્ર કોંગ્ર સાંસદ વિવેક તન્ખા દ્વારા લખવામાં આવ્યો હતો અને પાર્ટીના સાંસદ દિગ્વિજય સિંહ, શક્તિસિંહ ગોહિલ, પ્રમોદ તિવારી, અમી યાગ્નિક, રંજીત રંજન, ઈમરાન પ્રતાપગઢી, આમ આદમી પાર્ટીના રાઘવ ચડ્ઢા, શિવસેના(યુબીટી)ના સભ્ય પ્રિયંકા ચતુર્વેદી અને સપાના સભ્ય જયા બચ્ચન અને રામગોપાલ યાદવ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. તાજેતરમાં જ સીજેઆઈ ચંદ્રચૂડે પણ ટ્રોલિંગની સમસ્યાનો મુદ્દો ઊઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ એક એવો યુગ છે જ્યાં લોકોમાં ધીરજ અને સહનશીલતાનો અભાવ જોવા મળી રહ્યો છે.