વિશ્ર્વાસ મતનો સામનો જ નથી કર્યો તો તમને પુન:સ્થાપિત કઈ રીતે કરીએ, સુપ્રીમકોર્ટે ઉદ્ધવ જૂથને કહ્યું

નવીદિલ્હી,

સર્વોચ્ચ અદાલતે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની ૩૧ મહિના પહેલાની ગઠબંધન સરકારને ફ્લોર ટેસ્ટ કરાવવાના રાજ્યપાલના નિર્દેશ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો. જે બાદ ઉદ્ધવ ઠાકરે વિશ્ર્વાસ મત પહેલા સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જેને લઇ આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે ગઈકાલે આશ્ર્ચર્ય વ્યક્ત કરતા કહ્યું, મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારને કેવી રીતે પુન:સ્થાપિત કરી શકે કે જેમણે ફ્લોર ટેસ્ટ પહેલાં જ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ઠાકરે જૂથે કોર્ટ સમક્ષ રજૂઆતો કરી કે, કોર્ટ તેમને ફરી એક વખત સમય આપે અને પૂર્વ સ્થિતિને પુન:સ્થાપિત કરવા વિનંતી પણ કરી હતી.

આ મામલે ૨૦૧૬માં અરુણાચલ પ્રદેશમાં થયેલી ઘટનાને સંદર્ભ લઇને કહેવામાં આવ્યું કે, જેમ ૨૦૧૬માં નબામ તુકીને અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે પુન:સ્થાપિત કરવામાં આવ્યા હતા, તે જ રીતે આ વખતે પણ થવું જોઈએ. વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે, ઠાકરે જૂથનું પ્રતિનિધિત્વ કરતા, મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેંચને રાજ્યપાલ બીએસ કોશ્યારીના ફ્લોર ટેસ્ટ ઓર્ડરને બાજુ પર રાખવા વિનંતી કરી હતી.

બેન્ચે ઉદ્ધવ ઠાકરે વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ એ.એમ. સિંઘવીની રજૂઆતોની પણ નોંધ લીધી અને કહ્યું, તો, તમારા કહેવા પ્રમાણે, અમે શું કરીએ? તમને પુન:સ્થાપિત કરીએ? પરંતુ તમારી સરકારે રાજીનામું આપી દીધું છે. હાલ એવું લાગે છે કે, ફ્લોર ટેસ્ટ પહેલા જ રાજીનામું આપનાર સરકારને પુન:સ્થાપિત કરવા કોર્ટને પૂછવામાં આવી રહ્યું છે.