દિવાળીના તહેવારની શરૂઆત થઈ ગઈ છે અને લોકો તહેવારના દિવસોની ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છે. ત્યારે તહેવારના દિવસોમાં લોકો પરિવારની સાથે ખૂબ આનંદ અને ઉત્સાહમાં ખરીદી કરી રહ્યા છે. કોરોનાની મહામારી વચ્ચે પણ બજારોમાં લોકોની ભીડ જોવા મળી રહી છે કે, દિવાળીના તહેવારની ઉજવણીમાં પણ કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે ગાઈડલાઈનનું પાલન કરવું ખૂબ જરૂરી છે. દિવાળીના તહેવારને ધ્યાનમાં લઇને અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવે છે. જેમાં લોકોની સાથે હવે તહેવાર મનાવવા માટે અમદાવાદની ટ્રાફિક પોલીસ પણ પબ્લિક ફ્રેન્ડલી બની છે. જેના કારણે હવે તહેવારોના દિવસોમાં પોલીસ દ્વારા લોકોને દંડ કરવામાં આવશે નહીં તેમને નિયમ પાળવા સમજાવવામાં આવશે. દિવાળીના તહેવારને ધ્યાનમાં લઇને અમદાવાદ પોલીસને પાંચ દિવસની રજાઓ કેન્સલ કરવામાં આવી છે અને પોલીસને શહેરમાં સ્ટેન્ડ ટૂ રહેવાની સૂચના આપવામાં આવી છે. તો બીજી તરફ લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને SRPની બે કંપનીઓ પણ રિઝર્વ રાખવામાં આવી છે.
આ બાબતે અમદાવાદ શહેરની ટ્રાફિક પોલીસના DCP તેજસ પટેલે જણાવ્યું હતું કે, તહેવારોની ખરીદી માટે લોકોની ભીડ એકઠી થઇ રહી છે અને તહેવારના માહોલ વચ્ચે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ટ્રાફિક પોલીસ સક્રીય રીતે કામગીરી કરી રહી છે. પોલીસ લોકોના ફેસ્ટિવલને ડિસ્ટર્બ કરવા માગતી નથી એટલે ટ્રાફિક પોલીસ લોકોને નિયમ ભંગ કરવા બદલ દંડ કરવાના બદલે સમજ આપશે અને નિયમ ભંગ કરનારને જરૂરી ગાઈડલાઈન આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, સામાન્ય દિવસોમાં જો પોલીસ દ્વારા નિયમ ભંગ કરતા લોકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે તો લોકોને પોલીસ સાથે ઘર્ષણ થયુ હોવાના કિસ્સાઓ પણ સામે આવે છે. તહેવારોની ખુશીમાં લોકોને ઘર્ષણ ન થાય અને તેઓ એકદમ ફ્રેન્ડલી મૂળ ડિસ્ટર્બ કર્યા વગર તહેવારોની ઉજવણી કરી શકે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા આ એક ખૂબ સારો નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે પોલીસ સ્ટેશન દીઠ આવતી બજારોમાં અને ભીડભાડવાળી જગ્યાઓ પર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. દિવાળીના તહેવારોના સમયમાં ચોરી , ચેન સ્નેચિંગ, મોબાઇલ સ્નેચિંગ જેવી ઘટનાઓ અટકાવવા માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ પણ વધારે મજબૂત કરવામાં આવશે. તો બીજી તરફ લોકો કોરોનાથી સુરક્ષિત રહે તે માટે અમદાવાદની મુખ્ય બજાર એવા ભદ્ર વિસ્તાર અને રીલીફ રોડ પર જે લોકો માસ્ક પહેર્યા વગર ખરીદી કરવા નીકળે તેમને પોલીસ દ્વારા વિના મૂલ્ય માસ્કનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને લોકોને નિયમનું પાલન કરવા અંગે સમજાવવામાં આવી રહ્યા છે. ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા લોકોની સાથે-સાથે માસ્ક વગર નીકળતાં લોકો પાસેથી પણ તહેવારના સમયમાં દંડની વસૂલાત કરવામાં આવશે નહીં.