આજના ધનતેરસના દિવસે ઘરઆંગણે સોનાના ભાવમાં સુધારો જોવાયો હતો જ્યારે ચાંદી નરમ રહી હતી. કોરોનાને કારણે ગયા વર્ષની સરખામણીએ સોનાની માગ નોંધપાત્ર નીચી રહી હતી. સોના તથા ચાંદીના સિક્કાની શુકન પૂરતી માગ રહી હતી. વિશ્વબજારમાં પણ કિંમતી ધાતુમાં સુધારો જોવાયો હતો. સ્થાનિક કરન્સી બજારમાં મુખ્ય ચલણો સામે રૂપિયામાં સુધારો રહ્યો હતો. વૈશ્વિક સ્તરે ક્રુડ તેલના ભાવમાં નરમાઈ ચાલુ રહી હતી.
મુંબઈ બજારમાં ગોલ્ડ ૯૯.૫૦ દસ ગ્રામના જીએસટી વગરના ભાવ જે ગઈકાલે રૂપિયા ૫૦૪૯૯ રહ્યા હતા તે આજે ઉપરમાં રૂપિયા ૫૦૭૪૦ થઈ રૂપિયા ૫૦૬૪૫ બંધ રહ્યો હતો. ૯૯.૯૦ ગોલ્ડ દસ ગ્રામના રૂપિયા ૫૦૭૦૨વાળા રૂપિયા ૫૦૯૫૦ થઈ રૂપિયા ૫૦૮૪૯ બંધ રહ્યો હતો. જીએસટી સાથેના ભાવ ત્રણ ટકા ઊંચા બોલાતા હતા.
ચાંદી .૯૯૯ એ ક કિલોના રૂપિયા ૬૨૭૯૭વાળા રૂપિયા ૬૨૮૪૧ થઈ રૂપિયા ૬૨૭૦૦ રહ્યા હતા જીએસટી સાથેના ભાવ ત્રણ ટકા ઊંચા બોલાતા હતા. ચાંદી તથા સોનામાં સિક્કા પૂરતી જ માગ સીમિત રહી હતી. ધનતેરસ છતાં માગમાં ખાસ આકર્ષણ જોવાયું નથી.
અમદાવાદ બજારમાં સોનુ રૂપિયા ૨૦૦ વધી ૯૯.૫૦ના દસ ગ્રામના ભાવ રૂપિયા ૫૨૧૦૦ તથા ૯૯.૯૦ના રૂપિયા ૫૨૩૦૦ રહ્યા હતા. ચાંદીમાં રૂપિયા ૬૩૫૦૦ સાથે ભાવમાં સ્થિરતા જોવા મળી હતી.
વિશ્વ બજારમાં ગોલ્ડ એક ઔંસના ભાવ ૧૮૭૦ ડોલરવાળા ૧૮૮૭ ડોલર જ્યારે ચાંદીના ભાવ ૨૪.૧૮ ડોલરાવળા ૨૪.૩૯ ડલર બોલાત હતા. પ્લેટિનમ ૮૭૨ ડોલરવાળો ભાવ ૮૯૩ ડોલર જ્યારે પેલેડિયમમાં ભાવ ફરી વધી ઔંસ દીઠ ૨૩૪૦ ડોલરવાળો ૨૩૫૧ ડોલર બોલાતો હતો. સ્થાનિક કરન્સી બજારમાં રૂપિયામાં મજબૂતાઈ રહી હતી. ડોલર ૩ પૈસા ઘટી ૭૪.૬૧ રૂપિયા, પાઉન્ડ ૨૧ પૈસા ઘટી ૯૮.૨૦ રૂપિયા તથા યુરો ૪ પૈસા ઘટી ૮૮.૧૧ રૂપિયા રહ્યો હતો.
ક્રુડ તેલમા નરમાઈ રહી હતી. ન્યુયોર્ક ક્રુડ તેલ પ્રતિ બેરલ ૪૦.૫૨ ડોલર જ્યારે બ્રેન્ટ ક્રુડ ૪૨.૯૯ ડોલર બોલાતું હતું.