દાહોદ જીલ્લામાં વિજળીના કડાકા સાથે કમોસમી વરસાદ:આકાશી વિજળી પડતાં બે વ્યકિતના મોત : બેને ઈજાઓ.

દાહોદ,

દાહોદ જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વીજળીના કડાકા ધડાકા કમોકસમી માવઠાના સામ્રાજ્ય વચ્ચે સર્વત્ર પાણી પાણી થઈ ગયાં હતાં. વીજળીના કડાકા ધડાકા સાથે કમોસમી વરસાદ વચ્ચે દાહોદ જિલ્લામાં ઘણા સ્થળોએ વીજળી પડતાં 2 વ્યક્તિઓના મોત નીપજ્યાંનું જ્યારે બે વ્યક્તિઓને શરીરે ઈજાઓ થયાનું તેમજ 6 મુંગા પશુઓના મોત નીપજ્યાંનું જાણવા મળે છે.

છેલ્લા કેટલાંક દિવસોથી દાહોદ જિલ્લામાં એકાએક વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. વાદળછાયા વાતાવારણ વચ્ચે પવનના સુસવાટા તેમજ વાવાઝોડાનો માહોલ જોવા મળી રહ્યો છે. સાયકોલોનીક સર્ક્યુલેશનની અસરના કારણે ગુજરાતમાં 15 થી 19 માર્ચ સુધી કમોસમી માવઠું વરસવાની રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી. જેના પગલે છેલ્લા ત્રણ ચાર દિવસથી મધ્ય ગુજરાતના દાહોદ જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. દાહોદ જિલ્લાના દાહોદ, દેવગઢ બારીઆ, ઝાલોદ, લીમડી, ધાનપુર, સંજેલી, ગરબાડા જેવા વિસ્તારોમાં માવઠું પડ્યું હતું. દાહોદ તેમજ આસપાસના તાલુકા પંથક વિસ્તારોમાં બે દિવસ અગાઉ કમોસમી વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે વહેલી સવારથી જ સંજેલી, દેવગઢ બારીઆ, ધાનપુર જેવા વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી. સાથે સાથે દાહોદ તેમજ ગરબાડામાં આકાશી વીજળી પડવાથી બે વ્યક્તિઓના મોત નીપજ્યા હોવાના અહેવાલો છે. જેમાં એક દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ખાતે રાબડીયા ફળિયામાં રહેતાં 54 વર્ષિય માવી ગેંદીબેન તાજુભાઈ અને ગરબાડા તાલુકામાં એક મકાન પર વીજળી પડતાં અન્ય એક મળી કુલ બે વ્યક્તિઓના આકાશી વીજળી પડવાથી મોત નીપજ્યું હતું. જ્યારે બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે.