કેનેડા સરકાર હવે ગુજરાતીમાં માહિતી આપે છે:કેનેડા ગવર્નમેન્ટની વેબસાઈટમાં વિઝાના નિયમો હિન્દી અને પંજાબી ભાષા હતા, હવે ગુજરાતીમાં પણ અપાયા

નવીદિલ્હી,

કેનેડા જનારા ભારતીયોમાં સૌથી વધારે પંજાબી અને ગુજરાતી છે. કેનેડા સરકારે ભારતીયો અંગે સર્વે કરાવ્યો ત્યારે ખબર પડી કે કેનેડામાં તો પંજાબી છે એટલા જ ગુજરાતી પણ છે એટલે કેનેડા સરકારે પોતાની વેબસાઈટમાં વિઝાને લગતા નિયમોની માહિતી ગુજરાતીમાં આપવાનું શરૂ કર્યું છે. અત્યાર સુધી ઇંગ્લિશ, હિન્દી અને પંજાબી ભાષામાં વિઝાની માહિતી અપાતી હતી પણ હવે કેનેડા સરકારે ગુજરાતીઓના પ્રવાહને ધ્યાને લઈ ગુજરાતીમાં પણ નિયમો આપવાનું નક્કી કર્યું છે.

વેબસાઈટમાં સ્ટુડન્ટ, પ્રોફેશનલ્સ અને ફેમિલી માટે વિઝાના નિયમો શું છે તેની માહિતી આપવામાં આવી છે. જેમ કે, ૧. તમે ભારતથી કેનેડા પ્રવાસ કરવા અરજી કરો તે પહેલાં નિયમો જાણો ૨. તમને વિઝા મળવાની ગેરંટી કોઈપણ આપી શક્તું નથી. ૩. વિઝા એજન્ટનો ઉપયોગ કરવો અને એજન્ટોની યાદી પણ છે. ૪. અનધિકૃત વિઝા એજન્ટ સાથે કામ કરતી વખતે સાવચેત રહેશો. ૫. છેતરપિંડીના પરિણામો. ૬. નકલી નોકરીની ઓફરો અને વિદ્યાર્થીઓ સાથે થતા કૌભાંડો. આ સહિતની અન્ય માહિતી વિસ્તારથી આપવામાં આવી છે.

કેનેડા સરકારે પોતાની વેબસાઇટ પર ગુજરાતીમાં માહિતી આપી છે તેનાથી ગુજરાતી સ્ટુડન્ટ અને ખાસ કરીને તેમના વાલીઓને ફાયદો થશે. એક તો વેબસાઇટ પરથી સાચા નિયમો જાણી શકાશે. મા-બાપને અંગ્રેજીમાં સમજ ન પડતી હોય તો ગુજરાતીમાં જાણી શકશે. ખોટા એજન્ટોના સાણસામાં ફસાશે નહીં. સચોટ અને સાચી માહિતી મળતાં એજન્ટો ખોટી-મોટી વાતો કરીને છેતરી નહીં શકે.