ભારતે મને ખૂબ જ પ્રેમ આપ્યો છે:અહીં એટલું આવવા-જવાનું થઈ ગયું છે કે આધારકાર્ડ પણ છે, : અખ્તર

મુંબઇ,

સચિન અને શોએબની તસવીર ૨૦૧૫માં અમેરિકામાં લેવામાં આવી હતી. શોએબે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે દુનિયાના તમામ બેટર્સ તેનાથી ડરતા હતા,પરંતુ સચિન ચોગ્ગા અને છગ્ગા ફટકારતો હતો. પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરને ભારત ખૂબ જ ગમે છે. તે કહે છે કે તેને આ દેશથી ખૂબ જ પ્રેમ મળ્યો છે. અહીં તેનું એટલું આવવા-જવાનું થઈ ગયું છે કે હવે તેનું આધારકાર્ડ પણ છે. જોકે આધારકાર્ડની વાત શોએબે મજાકમાં કરી હતી.

શોએબ અખ્તરે ઇન્ટરવ્યૂમાં આ વાત કરી હતી. તેણે બન્ને દેશના ક્રિકેટ અને એશિયા કપ વિવાદ પર પણ પોતાની વાત રાખી હતી. શોએબ અખ્તરે કહ્યું હતું કે ’હું ભારત આવતો-જતો રહેતો હોઉં છું. મેં અહીં એટલું કામ કર્યું છે કે મારી પાસે હવે આધારકાર્ડ પણ છે. આનાથી વધુ હું શું કહું? ભારતે મને ખૂબ જ પ્રેમ આપ્યો છે. હું ભારતમાં ક્રિકેટ રમવાનું મિસ કરું છું.’

તેણે આગળ વધુમાં કહ્યું હતું કે ’જો એશિયા કપ પાકિસ્તાનમાં નહીં થાય તો આનું આયોજન શ્રીલંકામાં થવું જોઈએ. હું એશિયા કપ અને વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનને ફાઈનલમાં રમતા જોવા માગું છું. વર્લ્ડ ક્રિકેટમાં માત્ર ભારત અને પાકિસ્તાન ફાઈનલ સિવાય કંઈ જ ના થવું જોઈએ.’

અખ્તરે કહ્યું હતું કે ’વિરાટ કોહલી ફોર્મમાં પરત ફરવાનો જ હતો. આ કંઈ નવી વાત નથી. હવે તેમની ઉપર કેપ્ટનશિપનું પણ પ્રેશર નથી. તેઓ પૂરા ફોક્સ સાથે ક્રિકેટ રમી રહ્યા છે અને આગળ પણ રમશે જ. મને પૂરી આશા છે કે જ્યારે કોહલી ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી રિટાયર થશે, ત્યારે તેમના નામે ૧૧૦ સદી બોલતી હશે.’

૨૦૨૩ એશિયા કપની યજમાની પાકિસ્તાન પાસે છે. ઓક્ટોબર ૨૦૨૨માં મ્ઝ્રઝ્રૈં સેક્રેટરી જય શાહે કહ્યું હતું કે જો પાકિસ્તાનમાં એશિયા કપ થયો તો ભારત ટુર્નામેન્ટમાંથી પોતાનું નામ પરત લઈ લેશે. માર્ચ એટલે કે આ મહિને એશિયા ક્રિકેટ કાઉન્સિલની બોર્ડ બેઠકમાં યજમાનીને લઈને નિર્ણય લઈ શકાય છે.

શોએબ અખ્તર અત્યારે ક્તારના દોહામાં લેજેન્ડ્સ ક્રિકેટ લીગ ક્રિકેટ માસ્ટર્સ ટુર્નામેન્ટમાં એશિયા લાયન્સ ટીમ તરફથી રમી રહ્યો છે. અખ્તરે લીગમાં અત્યાર સુધીમાં એક જ ઓવર ફેંકી છે. જેમાં તેણે ૧૨ રન આપ્યા હતા. લેજેન્ડ્સ ક્રિકેટ લીગમાં ત્રણ ટીમ ભાગ લઈ રહી છે. જેમાં ઈન્ડિયન મહારાજ, એશિયા લાયન્સ અને વર્લ્ડ જાયન્ટ્સ સામેલ છે. લીગમાં હરભજનના નામે સૌથી વધુ ૮ વિકેટ છે. ગૌતમ ગંભીર ૧૮૩ રન સાથે હાઇએસ્ટ રન સ્કોરર છે. ટેબલમાં એશિયા લાયન્સ ૩ મેચમાંથી ૨ મેચ જીતીને ટૉપ પર છે.