૫ બેટર અને ૩ ઓલરાઉન્ડર સાથે ઉતરશે ભારતીય ટીમ, રોહિત શર્માના બદલે કોણ સંભાળશે ઓપનીંગની જવાબદારી?

મુંબઇ,

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝ સમાપ્ત થયા બાદ હવે વનડે શ્રેણીનો પ્રારંભ થઈ રહ્યો છે. શુક્રવારથી બંને ટીમો હવે વ્હાઈટ બોલ સિરીઝ માટે ટક્કર જમાવશે. ૩ મેચોની વનડે સિરીઝની પ્રથમ મેચ મુંબઈમાં રમાનારી છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શુક્રવાર ૧૭ માર્ચે પ્રથમ વનડે મેચ રમાશે. આ સાથે જ સિરીઝનો પ્રારંભ થનારો છે. રોહિત શર્મા પ્રથમ મેચમાં ઉપલબ્ઘ નથી આમ નિયમીત કેપ્ટનની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાનુ સુકાન સંભાળનાર છે. હાર્દિક પંડ્યાની આગેવાનીમાં પ્રથમ વનડે મેચમાં ભારતીય ટીમ કેવી પ્લેઈંગ ઈલેવન પસંદ કરશે એ મોટો સવાલ છે.

ભારતીય પ્લેઈંગ ઈલેવનમાં રવિન્દ્ર જાડેજા સામેલ થનારો છે. ૭ મહિના બાદ રવિન્દ્ર જાડેજા ફરી એકવાર બ્લુ જર્સીમાં ક્રિકેટના મેદાનમાં જોવા મળશે. ઈજાને લઈ લાંબો સમય ટીમથી દૂર રહ્યા બાદ ટેસ્ટ સિરીઝ સાથે શાનદાર રીતે પરત ફર્યો હતો. હવે બ્લુ જર્સીમાં દમ દેખાડશે એવી અપેક્ષા ચાહકોને છે. બોર્ડર ગાવાસ્કર ટ્રોફી દરમિયાન રવિન્દ્ર જાડેજાએ શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. તેણે પોતાની રમત વડે સૌને પ્રભાવિત કર્યા હતા.

મુંબઈમાં રમાનારી પ્રથમ વનડે મેચમાં ભારતીય ટીમ ૩ ઓલરાઉન્ડરો અને ૫ બેટરોને મેદાને ઉતારશે એવી સંભાવનાઓ છે. જ્યારે ટીમમાં એક નિષ્ણાંત સ્પિનર અને ૨ ઝડપી બોલરોનુ સમીકરણ અપનાવવામાં આવી શકે છે. ઓલરાઉન્ડરની ભૂમિકામાં પ્રથમ વનડેમાં સુકાન સંભાળનાર હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદર જોવા મળી શકે છે. જ્યારે ઝડપી બોલિંગ વિભાગની જવાબદારી શમી અને રિાજની પાસે હશે. સ્પિનર તરીકે કુલદીપ યાદવ જોવા મળી શકે છે.

ઓપનર તરીકેની જવાબદારી રોહિત શર્માની ગેરહાજરીમાં શુભમન ગિલ સાથે ઈશાન કિશન સંભાળી શકે છે. ત્રીજા ક્રમે વિરાટ કોહલીનુ રમવાનુ નિશ્ર્ચિત છે. ચોથા સ્થાન પર સૂર્યકુમાર યાદવ અને પાંચમાં સ્થાન પર કેએલ રાહુલ ઉતરી શકે છે. આમ પાંચ બેટરો ટીમ ઈન્ડિયામાં જોવા મળશે. જોકે વિકેટકીપર તરીકેની જવાબદારી રાહુલ કે ઈશાન કોણ સંભાળશે એ પણ એક સવાલ છે. રોહિત શર્મા બીજી અને ત્રીજી વનડેમાં ઉપલબ્ધ રહેશે.

ભારતીય ટીમ: શુભમન ગિલ, ઈશાન કિશન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજ.