નવીદિલ્હી,
આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ વધી રહી છે. હવે સીબીઆઇએ જાસૂસી કેસમાં સિસોદિયા વિરુદ્ધ કેસ નોંયો છે. CBI એ ફીડબેક યુનિટ કેસમાં સિસોદિયા સામે ગુનો નોંધ્યો છે. આરોપ છે કે, આમ આદમી પાર્ટીએ વર્ષ ૨૦૧૫ની આસપાસ ફીડબેક યુનિટ તૈયાર કર્યું હતું. આ ફીડબેક યુનિટમાંથી ઘણા લોકોની જાસૂસી કરવામાં આવી હતી. એવો પણ આરોપ છે કે, આ યુનિટમાં ભરતી માટે એલજી પાસેથી કોઈ પરવાનગી લેવામાં આવી ન હતી. દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ અને આમ આદમી પાર્ટીના નેતા સિસોદિયાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી.સીબીઆઇએ સિસોદિયા પર આ બીજી એફઆઇઆર નોંધી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સીબીઆઇએ આ એફઆઇઆરમાં મનીષ સિસોદિયાને આરોપી નંબર-૧ ગણાવ્યો છે. CBI એ ૧૪ માર્ચે કેસ નોંયો હતો. સિસોદિયા પર ગુનાહિત ષડયંત્ર, અપ્રમાણિક રીતે સંપત્તિની ગેરરીતિ, છેતરપિંડી અને ભ્રષ્ટાચારના આરોપો છે. તપાસ એજન્સીએ આ મામલે અન્ય ૫ લોકોનો ઉલ્લેખ પણ પોતાની FIR માં કરવામાં આવ્યો છે.
જેમાં આઈઆરએસ અધિકારી સુકેશ કુમાર જૈન સામેલ છે. સુકેશ જૈન તે સમયે દિલ્હી સરકારમાં વિજિલન્સ સચિવ હતા. આ સિવાય સીઆઈએસએફના નિવૃત્ત ડીઆઈએસ રાકેશ કુમાર સિન્હાનું પણ આ એફઆઈઆરમાં નામ છે. રાકેશ કુમાર સિન્હાને ફીડબેક યુનિટ પર દિલ્હીના મુખ્યમંત્રીના વિશેષ સલાહકાર અને ફીડબેક યુનિટના જોઈન્ટ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા હોવાનું કહેવાય છે.
એફઆઇઆર પ્રદીપ કુમાર પુંજનું નામ છે. પ્રદીપ કુમાર એફબીયુના ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે કામ કરતા હોવાનું કહેવાય છે. આમાં સીઆઇએસએફના પૂર્વ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ સતીશ ક્ષેત્રપાલનું નામ પણ છે, તેમણે આ યુનિટમાં ફીડબેક ઓફિસર તરીકે કામ કર્યું હતું. આ સિવાય આ એફઆઇઆરમાં ગોપાલ મોહનનું નામ પણ છે. એલજી વીકે સક્સેનાએ આ મામલે CBI તપાસની ભલામણ કરી હતી, જે બાદ ગૃહ મંત્રાલયે સીબીઆઈને તપાસનો આદેશ આપ્યો હતો. જ્યારે આ મામલે સીબીઆઈ તપાસને મંજૂરી આપવામાં આવી હતી, તે જ સમયે આપ નેતાઓએ આકરી પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે સિસોદિયાને ખોટા કેસમાં ફસાવવામાં આવી રહ્યા છે. આ પહેલા સીબીઆઇએ દિલ્હીના કથિત એક્સાઈઝ પોલિસી કૌભાંડમાં મનીષ સિસોદિયા વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. સિસોદિયાની ૨૬ ફેબ્રુઆરીએ પૂછપરછ બાદ આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી ત્યારથી સિસોદિયા જેલમાં બંધ છે.