- તાપી જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં આદિજાતિ વ્યક્તિઓને આવાસ સહાય પેટે રૂ. ૨૧૨.૮૦ લાખની સહાય અપાઈ.
ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું છે કે, અનુસૂચિત જનજાતિના લોકોના ઘરના ઘરનું સપનું સાકાર કરીને પાકા આવાસો આપવા એ જ અમારો મક્કમ નિર્ધાર છે. આ માટે રાજ્ય સરકારે સઘન આયોજન કર્યું છે. તાપી જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં આદિજાતિ વ્યક્તિઓને આવાસ સહાય પેટે રૂ. ૨૧૨.૮૦ લાખની સહાય ચૂકવાઇ છે.
વિધાનસભા ખાતે તાપી જિલ્લામાં આવાસ યોજનાના પ્રશ્ર્નના પ્રત્યુતરમાં મંત્રી હળપતિએ ઉમેર્યું છે કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદિવાસી વિસ્તારની ચિંતા કરીને જે આયોજન કર્યું છે જેના પરિણામે આદિજાતિ લોકોના ઘરના ઘરનું સપનું આજે પૂર્ણ થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આદિજાતિના લોકોને આવાસ સહાય યોજના હેઠળ આવાસ આપવા માટે આવાસ દીઠ રૂપિયા ૧.૨૦ લાખની સહાય આપવામાં આવે છે. આ માટે આવક મર્યાદા રૂપિયા ૬ લાખ નિયત કરાઈ છે. આવાસ મેળવવા માટે જમીન, ખુલ્લો પ્લોટ હોય, માલિકીનો હક્ક હોય, આકારણી પત્રક આમાંથી કોઈપણ એક પુરાવો રજૂ કરવાનો હોય છે.સંયુક્ત વારસદાર હોય તો રૂ. ૨૦ ના સ્ટેમ્પ પર એફિડેવીટ કરવાનું રહેશે. તેમજ જર્જરિત મકાન હોય તો મકાનનો ફોટો રજૂ કરવાનો રહેશે. આ ઉપરાંત આદિજાતિના લોકોને PM આવાસ યોજના તથા અન્ય યોજના હેઠળ પણ આવાસ સહાય પુરી પાડવામાં આવે છે તેમ તેમણે ઉમેર્યું હતું.