ગોધરા શહેરમાં સ્થાનિક સ્વરાજયની ચુંટણી પુર્ણ થયા બાદ પણ સ્વચ્છતાં મુદ્દે ગંભીર પ્રશ્ર્નો ઉભા થયા છે. નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત, સ્વચ્છ શહેરના દાવાઓ કરાય છે પરંતુ જમીન સ્તરે તેની હકીકત તો કંઈક અલગ જ દેખાઈ રહી છે. શહેરના અનેક મુખ્ય માર્ગો પર છેલ્લા કેટલાક દિવસોથી કચરાના ઢગલાઓ પડેલા જોવા મળી રહ્યા છે. જેના કારણે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.
ખાસ કરીને ગીદવાણી રોડ પર મોટા પ્રમાણમાં કચરો જમાં થતો હોવાથી વાહનચાલકો અને વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ માર્ગ શહેરના રેલ્વે સ્ટેશનને બસ સ્ટેશન સાથે જોડતો મહત્વનો માર્ગ છે. જયાંથી રોજ હજારો લોકો અવર જવર કરે છે. ઉપરાંત આ વિસ્તારમાં અનાજની હોલસેલ દુકાનો હોવાના કારણે સ્વચ્છતાં વધુ જરી બની જાય છે.કચરાના ઢગલાઓને કારણે દુર્ગંધફેલાઈ રહી છે. તેમજ વાહન વ્યવહાર પણ પ્રભાવિત થઈ રહ્યો છે. સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓએ પાલિકાના તંત્ર સામે નારાજગી વ્યકત કરી છે. અને તાત્કાલિક સફાઈની માંગ કરી છે.