- ’BHEED’ને ટ્રેલર પર નકારાત્મક પ્રતિક્રિયા પર પંકજ કપૂરે કહ્યું કે,પહેલા ફિલ્મ જુઓ પછી કહો તે ઠીક છે કે નહિ.
મુંબઈ,
અનુભવ સિન્હાના નિર્દેશનમાં લોકડાઉન પર બનેલી બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ ’ભીડ’ આ દિવસોમાં ચર્ચામાં છે. જ્યારથી ફિલ્મનું ટ્રેલર રીલિઝ થયું છે, ત્યારથી તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ફિલ્મને લઈને બંને પ્રકારના અભિપ્રાય જોવા મળ્યા છે. કેટલાક લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે તો કેટલાક લોકો આ ફિલ્મની ટીકા કરતા પણ જોવા મળ્યા છે. કેટલાક લોકોએ આ ફિલ્મને ભારત વિરોધી પણ ગણાવી હતી. હવે આ ટીકાઓ પર ફિલ્મના અભિનેતા પંકજ કપૂરનું નિવેદન આવ્યું છે. તેણે તેના તાજેતરના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, લોકોએ પહેલા ફિલ્મ જોવી જોઈએ અને પછી પોતાનો અભિપ્રાય શેર કરવો જોઈએ. ટ્રેલર પર નકારાત્મક પ્રતિક્રિયા પર, પંકજ કપૂરે કહ્યું, હજુ માત્ર એક ટિઝર રીલીઝ જ થતા જ લોકો પોત પોતાની પ્રતિક્રિયા આપવા લાગ્યા છે, આપણે ખૂબ જ અધીરા છીએ, અને દરેક બાબતમાં અભિપ્રાય આપતા રહીએ છીએ. ધીરજ રાખો અને પહેલા જુઓ, પછી કહો તે, ઠીક છે, કે નહી, ક્યારેય દેખ્યા વગર સીધા જ તેમાં કુદકો ન મારવો જોઈએ. પંકજ કપૂર કહે છે, “તમે અભિપ્રાય આપી શકો છો, પણ પહેલા ફિલ્મ જુઓ. તે વાહિયાત છે કે, એક નાનું ટીઝર… (રિલીઝ) થતા જ તમે કહેવા લાગ્યા કે, તે એક રાજકીય ફિલ્મ છે. આ એક વિશ્લેષણાત્મક ફિલ્મ છે, જે આપણા સમાજ વિશે વાત કરે છે, આપણે કેવી રીતે વિચારીએ છીએ, કોઈપણ પરિસ્થિતિમાં આપણે કેવી પ્રતિક્રિયા કરીએ છીએ. જે આ ફિલ્મમાં બતાવ્યા પ્રમાણે બહુ ઓછી ફિલ્મો એવી સકારાત્મક અર્થમાં બતાવવામાં આવતી હોય છે. રાજકુમાર રાવ, ભૂમી પેડનેકર, દિયા મિર્ઝા, આશુતોષ રાણા, વિરેન્દ્ર સક્સેના, આદિત્ય શ્રીવાસ્તવ, કૃતિકા કામરા અને કરણ પંડિત જેવા કલાકારો ભીડમાં જોવા મળ્યા હતા. પંકજ કપૂરે ફિલ્મમાં ચોકીદારની ભૂમિકા ભજવી છે, જે કોરોના વાયરસના કારણે લોકડાઉનને કારણે શહેર છોડવા મજબૂર છે. ફિલ્મમાં કોરોના લોકડાઉન દરમિયાન લાખો લોકોના શહેરોથી ગામડાઓ તરફ જવા, પોલીસ અત્યાચાર, જાતિ અને ધર્મના આધારે ભેદભાવનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. ટ્રેલરમાં ઘણી મહત્વની બાબતો જોવા મળી છે. ટ્રેલરમાં એક મુસ્લિમ વ્યક્તિ પાસેથી ભોજન લેવાની ના પાડતા ભીડના દ્રશ્ય પર પંકજ કપૂરે કહ્યું, “જ્યારે તમે ફિલ્મ જોશો, ત્યારે તમને ખબર પડશે કે, તેને અલગ રીતે બતાવવામાં આવી છે. અનુભવ સિન્હાએ તેનો ઉપયોગ એક દૃષ્ટિકોણ તરીકે કર્યો છે, જે અસ્તિત્વમાં છે. જેમાં એક અલગ દ્રષ્ટિકોણથી ફિલ્મમાં બતાવવામાં આવ્યો છે. જ્યારે તમે ફિલ્મ જોશો, ત્યારે તમને ખબર પડશે કે, માણસો આખરે માણસ છે, અને બધા સમાન છે.