કેપ્ટન રોહિત શર્મા કરતાં તો આ બેટ્સમેને વધારે રન કર્યા, આ તો શરમની વાત કહેવાય!..

નવીદિલ્હી,

હોમ ગ્રાઉન્ડ પર રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફી પર સતત ચોથી વખત ભારતે કબજો કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ શાનદાર રમત બતાવીને શ્રેણી ૨-૧થી જીતી લીધી હતી, પરંતુ છેલ્લી મેચને બાદ કરતાં ભારતીય ટીમની બેટિંગ એટલી સારી રહી ન હતી. આશ્ર્ચર્યજનક વાત તો એ છે કે એવી પીચ પર જ્યાં રોહિત શર્મા જેવા દિગ્ગજ જ સારી ઇનિંગ રમી શક્તા હતા, ગુજ્જુ ઓલરાઉન્ડર અક્ષર પટેલ ૯ અને ૮માં નંબરે આવ્યો હતો અને શાનદાર ઇનિંગ રમી હતી. ચાર ટેસ્ટ મેચની ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમ માટે સ્પિનર ??ઓલરાઉન્ડર તરીકે રમી રહેલા અક્ષર પટેલને બોલિંગ માટે ઓછો અને બેટિંગ માટે વધુ યાદ રાખવામા આવશે. આ શ્રેણીમાં અક્ષર પટેલે કુલ ૩ અડધી સદી ફટકારી હતી અને બે ઇનિંગમાં તો તે સદીની ખૂબ નજીક આવ્યો હતો પરંતુ સદી ચૂકી ગયો હતો. અક્ષર પટેલે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં માત્ર ટીમ ઈન્ડિયા તરફથી જ નહીં પરંતુ કાંગારૂ દિગ્ગજો કરતાં પણ વધુ રન બનાવ્યા હતા. ૯ અને ૮માં નંબર પર બેટિંગ કરવાની તક મળ્યા બાદ પણ તેના ખાતામાં રોહિત શર્મા, સ્ટીવ સ્મિથ અને ઓસ્ટ્રેલિયન દિગ્ગજ લાબુશેન કરતા વધુ રન છે. આ આખી સીરિઝમાં ટોપ રન સ્કોરરની યાદીમાં ઓસ્ટ્રેલિયાનો ઉસ્માન ખ્વાજા પ્રથમ નંબરે અને અક્ષર ત્રીજા સ્થાને રહ્યો હતો. આ શ્રેણીમાં અક્ષર પટેલે નંબર ૯, નંબર ૮ અને પછી નંબર ૭ પર બેટિંગ કરી અને ત્રણેય બેટિંગ ઓર્ડર પર અડધી સદી ફટકારી. બોર્ડર ગાવસ્કર સિરીઝ દરમિયાન અક્ષર પટેલે ૪ ટેસ્ટ મેચની ૫ ઇનિંગમાં એક માં તો ૮૪ રનની સૌથી મોટી ઇનિંગ સાથે કુલ ૨૬૪ રન બનાવ્યા હતા. આ સિરીઝમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ૪ મેચની ૬ ઇનિંગ્સમાં ૨૪૨ રન બનાવ્યા હતા. તેણે ટેસ્ટ શ્રેણીની શરૂઆત શાનદાર સદીથી કરી હતી પરંતુ તે પછી તે મોટી ઇનિંગ્સ રમી શક્યો નહોતો. જ્યારે વિરોધી ટીમના ઓપનર ઓસ્ટ્રેલિયાના ઉસ્માન ખ્વાજાએ કુલ ૩૩૩ રન બનાવ્યા જ્યારે ધુરંધર બેટ્સમીનો માર્નસ લાબુશેને ૨૪૪ અને કેપ્ટન સ્ટીવ સ્મિથે માત્ર ૧૪૫ રન બનાવ્યા.