H3N2 અંગે રાજકોટ એઇમ્સના ડિરેક્ટરે કહ્યું,’આ સામાન્ય ફલૂ છે, ગભરાવવું નહિ છતાં સાવચેતી જરૂરી’

રાજકોટ,

કોરોના વાઇરસનો કહેર બીજી તરફ કોરોના વાઇરસ જેવાં જ લક્ષણો ધરાવતા ફ્લૂએ માથું ઊંચક્યું હોય તેમ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સામાન્ય શરદી, ઉધરસ, તાવ અને ગળામાં બળતરા થાય તેવાં લક્ષણોવાળા દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. જો કે રાજકોટ એઇમ્સના ડિરેક્ટર સી.ડી.એસ.કટોચે મહત્ત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું હતું કે, H3N2 કોઇ ગંભીર વાઈરસ નથી સામાન્ય ફલૂ જેવો છે તેનાથી ડરવાની જરૂર નથી માત્ર સાવચેત રહેવું જરૂરી છે. કોરોનાની ઘાતક બીજી લહેર હજુ પણ લોકો ભૂલી શક્યા નથી તેવામાં હવે ગુજરાતમાં કોરોના બાદ H3N2 નામના નવા વાઈરસની શરૂઆત થવા પામી છે. આ બધા વચ્ચે રાજકોટ એઇમ્સના ડાયરેક્ટર સી.ડી.એસ.કટોચે મહત્ત્વનું નિવેદન આપતાં જણાવ્યું હતું કે આ વાઈરસ પણ અન્ય વાઈરસની જેમ સામાન્ય વાઈરસ જ છે. લોકોએ ડરવાની કોઈ જરૂર નથી. કોરોના સમયે જેવી રીતે સાવચેતી રાખવામાં આવતી હતી તેવી જ સાવચેતી લોકોએ રાખવી પડશે, પરંતુ વાઇરસથી ડરવાની જરૂર નથી. રાજકોટ એઇમ્સના ડાયરેક્ટર સી.ડી.એસ.કટોચે વધુમાં જણાવ્યું કે, H1N1 એટલે કે સ્વાઇન લૂથી મ્યુટેટ થયેલા H3N2 વાઈરસ. આ વાઈરસથી ગભરાવવાની કોઈ જરૂર નથી. આ ફ્લૂના કારણે દર્દીઓ ૩-૪ સપ્તાહ સુધી શરદી-ઉધરસની બીમારીઓથી પીડાતા હોય છે. આવા સંજોગોમાં ફરી કોવિડ ગાઇડ લાઇનના નિયમોનું પાલન અને સાવચેતી જ બધા લોકોને વાઈરસના બમણા એટેકથી બચાવી શકશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે અને છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાત રાજ્યની અંદર કોરોનાના ૫૮ કેસ નોંધાયા છે. જેની સામે ૨૩ દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યમાં ૧૦૫૨ દર્દીઓનું રસીકરણ પણ કરવામાં આવ્યું છે.