રાજકોટને મળશે વધુ એક બસ સ્ટેન્ડ, ભાવનગર રોડ પર રુ. ૪.૫ કરોડના ખર્ચે નવું બસ સ્ટેન્ડ તૈયાર

રાજકોટ,

રાજકોટ શહેરને વધુ એક બસ સ્ટેન્ડ મળવા જઈ રહ્યું છે. રાજકોટના ભાવનગર રોડ પર નવું બસ સ્ટેન્ડ એસટી વિભાગ દ્વારા બનાવવામાં આવ્યું છે. રાજકોટ શહેરના પૂર્વ વિસ્તારમાં આ બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું હોવાથી શહેરના ભાવનગર રોડ અને પૂર્વ વિસ્તારમાં રહેતા લોકોને ફાયદો થશે. આ બસ સ્ટેન્ડને “રાજકોટ સેટેલાઇટ બસ સ્ટેન્ડ” નામ આપવામાં આવ્યું છે.

ભાવનગર રોડ પર બનાવવામાં આવેલા બસ સ્ટેન્ડ પર ૧૩ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા છે. રુપિયા ૪.૫ કરોડના ખર્ચે આ બસ સ્ટેન્ડનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભાવનગર રોડ પર જ આવેલી એસટી વિભાગની જગ્યામાં રાજકોટ સેટેલાઈટ બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું. આ બસ સ્ટેન્ડ પરથી અમરેલી, ભાવનગર, જામનગર, મોરબી, કચ્છ, અમદાવાદ, દાહોદ, ખેડા, વડોદરા, મહીસાગર સહિતના જિલ્લાઓમાં જવા માટે અહીંયાથી બસ મળી રહેશે. દિવસેને દિવસે રાજકોટ શહેરની વસ્તી વધી રહી છે. સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી લોકો રોજગારી માટે રાજકોટમાં સ્થાયી થઈ રહ્યા છે. એટલે શહેરની ચારેય બાજુથી સીમા વધી રહી છે. જેથી અમદાવાદની જેમ રાજકોટમાં પણ હવે એક કરતા વધુ બસ સ્ટેન્ડની જરૂરિયાત ઊભી થઈ છે. જેથી હવે રાજકોટમાં પૂર્વ વિસ્તારમાં રહેતા લોકોને રાજકોટના મુખ્ય બસ પોર્ટ પર નહીં જવું પડે. મુસાફરોને ભાવનગર રોડ પરથી જ બસ મળી રહેશે. એસટી વિભાગ દ્વારા ભાવનગર રોડ પર આધુનિક સુવિધાઓ સાથે સેટેલાઈટ બસ સ્ટેન્ડ તૈયાર કરવામાં આવ્યું છે. આ બસ સ્ટેન્ડ પરથી વિદ્યાર્થીઓને પાસ પણ નીકળી શકશે. આ ઉપરાંત બસ સ્ટેન્ડમાં આધુનિક અગ્નિ શામક સાધનો પણ રાખવામાં આવ્યા છે.

વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી આવનારા દિવસોમાં નવા બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરી શકે છે. થોડા દિવસો પહેલા જ હર્ષ સંઘવી દ્વારા જામનગર ખાતેથી નવી ૧૫૧ એસટી બસોનું લોકાર્પણ કરાયું હતું. રાજ્ય સરકાર દ્વારા એક બાદ એક તમામ શહેરોમાં નવા બસ સ્ટેન્ડ બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે જામનગર ખાતે હર્ષ સંઘવીએ કહ્યું હતું કે હવે તેઓ જામનગર આવશે ત્યારે નવા બસ સ્ટેન્ડનું ખાત મુહૂર્ત તેઓ કરશે.