- કેસમાં મોટો ચુકાદો આવ્યા પછી માતા ધ્રૂસકે ધ્રૂસકે રડી પડયા.
સૃષ્ટિ રૈયાણી કેસમાં કોર્ટે આરોપી જયેશ ગિરધર સરવૈયાને ફાંસીની સજા સંભળાવી છે. જેતપુર સેશન્સ કોર્ટના ન્યાયાધીશ આર.આર ચૌધરીએ આ સજા સંભળાવી છે. પાંચ દિવસ આગાઉ ૭ તારીખે આરોપી જયેશ સરવૈયાને દોષી ઠેરવવામાં આવ્યો હતો. કોર્ટ સંકુલમાં સૃષ્ટિ રૈયાણીના માતા-પિતા તેમજ સમગ્ર ઘટનામાં ભોગ બનનાર હર્ષ રૈયાણી પણ અન્ય પરિવારજનો સાથે આવ્યો હતો. આ સમયે મીડિયા સાથેની વાતચીતમાં સૃષ્ટિ રૈયાણીની માતા ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી.
તો બીજી તરફ સૃષ્ટિ રૈયાણી હત્યા કેસના ફરિયાદી અને સૃષ્ટિ રૈયાણીના પિતાએ મીડિયા સાથેની વાતચીતમાં આરોપીને ફાંસીની જ સજા મળવી જોઇએ તે પ્રકારની માગ કરી હતી. તો સમગ્ર કેસમાં આરોપી દ્વારા જે તે સમયે હર્ષ રૈયાણીને ૫ જેટલા છરીના ઘા કરવામાં આવ્યા હતા. તેણે પણ મીડિયા સાથેની વાતચીતમાં કઇ રીતે ૧૬ માર્ચના રોજ બનાવો બન્યો હતો તેની આપવીતી જણાવી હતી.
આર.આર. ચૌધરીની કોર્ટમાં આરોપીને રજૂ કરવામાં આવતા ચૌધરી સાહેબ દ્વારા આરોપીને પૂછવામાં આવ્યું હતું કે, તે કેટલું ભણેલો છે? તે છેલ્લા ૬ વર્ષમાં કઇ કઇ જગ્યાએ શું કામ કરતો હતો? તેમજ આરોપીના પિતા શું કામ કરે છે કઇ જગ્યાએ કામ કરે છે? આરોપીના પિતા પાસે ખેતીલાયક જમીન છે કે કેમ તે સહિતની બાબતો પર પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ કોર્ટ દ્વારા એક કલાકનો સમય માગવામાં આવ્યો હતો. લગભગ ૧૨:૩૦ વાગ્યાની આસપાસ કોર્ટ દ્વારા આરોપીને સજા સંભળાવવામાં આવી હતી.
૧૬ માર્ચ ૨૦૨૧ના રોજ જેતલસર ગામે સૃષ્ટિ રૈયાણી નામની ધોરણ ૧૧માં અભ્યાસ કરનારી વિદ્યાથનીને જયેશ ગીરધર સરવૈયા નામના વ્યક્તિ દ્વારા છરીના ૩૪ જેટલા ઘા માર્યા હતા. તો સાથે જ સૃષ્ટિના ભાઇ હર્ષને પણ છરીના ૫ જેટલા ઘા મારવામાં આવતા તે ત્યાંથી પોતાનો જીવ બચાવીને ભાગી નીકળ્યો હતો. જેના કારણે તે પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો હતો. સૃષ્ટિ રૈયાણીની હત્યા થતા જે તે સમયે આ કેસ ન માત્ર રાજકોટ જિલ્લામાં, પરંતુ ઉત્તર ગુજરાતમાં પણ અફરાતફરી બન્યો હતો. ઉત્તર ગુજરાતના અનેક શહેરોમાં સૃષ્ટિ રૈયાણી હત્યા કેસ મામલે તંત્રને આવેદનપત્ર આપી કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં તેમજ આરોપીને સખતમાં સખત સજા આપવાની માગણી પણ કરવામાં આવી હતી.