વડોદરામાં ફૂટપાથ પર સૂતેલી વૃદ્ધાની શારીરિક છેડછાડ કરી, પ્રતિકાર કરતા પથ્થર મારી મહિલાને મોતને ઘાટ ઉતારી

વડોદરા,

વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં ફૂટપાથ પર રહેતી વૃદ્ધ મહિલાના માથામાં પથ્થર મારીને મોતને ઘાટ ઉતારી દેનાર શખસની પોલીસે ધરપકડ કરી છે. આધેડ મહિલાએ શારીરિક છેડછાડ કરવા સામે પ્રતિકાર કરતા હવસખોરે માથામાં પથ્થર મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ રહસ્યમય હત્યાના બનાવના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે પર્દાફાશ કર્યો છે. હત્યાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં આરોપી મહિલાની પથ્થર મારીને હત્યા કરતો દેખાય છે.

વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં અગરબત્તીની દુકાન પાસે રહેતા અને દિવસો પસાર કરતા ૬૯ વર્ષીય સવિતાબેન કિશનભાઇ દેવીપૂજક રાતના સમયે સૂઈ રહ્યાં હતાં. આ દરમિયાન ગુનાહિત ઇતિહાસ ધરાવતો નઝીર ઉર્ફે ટકલો રહીમ શેખ તેઓની પાસે પહોંચી ગયો હતો અને શારીરિક છેડછાડ કરવાનું શરૂ કર્યું હતું. શારીરિક છેડછાડ થતાંની સાથે જ સવિતાબેન ઊંઘમાંથી ઊઠી ગયાં હતાં અને પ્રતિકાર કર્યો હતો. સવિતાબેને પ્રતિકાર કરતા જ રોષે ભરાયેલા નઝીર ઉર્ફ ટકલો નજીકમાં પડેલ મોટો પથ્થર લઈ આવ્યો હતો અને સવિતાબેનના માથામાં મારી મોતને ઘાટ ઉતારીને ફરાર થઈ ગયો હતો.

આ દરમિયાન આ બનાવ અંગેની જાણ રાવપુરા પોલીસને થતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને લાશનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. બીજી બાજુ રાવપુરા પોલીસે અજાણ્યા શખસ સામે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. આ હત્યાનો ભેદ ઉકેલવા માટે રાવપુરા પોલીસે સીસીટીવી તેમજ સર્વેલન્સ સ્ક્વોડની મદદ લીધી હતી. જેમાં પોલીસ આરોપી સુધી પહોંચવામાં સફળ રહી હતી.

રાવપુરા પોલીસ મથકના પી.આઈ એમ. કે. કટારિયા તેમજ પીએસઆઇ આર. બી. ચૌહાણની ટીમ દ્વારા તમામ પુરાવાઓ એકત્ર કરીને હત્યારા નઝીર ઉર્ફ ટકલો રહીમ શેખ ( રહે. હાલ પાણીગેટ દરવાજા પાસે, મૂળ રહે. નવાપુરા મહેબૂબપુરા)ની ધરપકડ કરી હતી.

રાવપુરા પોલીસ મથકના પીઆઇ. એમ. કે. કટારિયાએ જણાવ્યું હતું કે, આરોપી સામે વડોદરા શહેરનાં વિવિધ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ૭ ગુના નોંધાયેલા છે. આ ઉપરાંત નઝીર ઉર્ફ ટકલો ગુનાહિત માનસિક્તા ધરાવે છે.