મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી સુભાષ દેસાઈના પુત્ર ભૂષણ દેસાઈ એકનાથ શિંદે જૂથમાં સામેલ થઈ ગયા

મુંબઇ,

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને ફરી એકવાર ઝટકો લાગ્યો છે. ઉદ્ધવ ઠાકરે જૂથના મોટા નેતાએ ઠાકરે જુથને અલવિદા કહી દીધુ છે. મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી સુભાષ દેસાઈના પુત્ર ભૂષણ દેસાઈ એકનાથ શિંદે જૂથમાં સામેલ થઈ ગયા છે. મહત્વનું છે કે સુભાષ દેસાઈ ઘણા વર્ષોથી ઉદ્ધવ ઠાકરે જુથમાં જોડાયેલા વિશ્ર્વાસુ નેતા હતા. હવે તેમણે ઉદ્ધવ ઠાકરેને છોડીને એકનાથ શિંદે સાથે હાથ મિલાવ્યા છે. ઉદ્ધવ ઠાકરે જૂથ માટે આ મોટું નુક્સાન માનવામાં આવી રહ્યું છે.

પૂર્વ મુખ્યમંત્રીના પુત્ર આદિત્ય ઠાકરેએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતુ કે, “ભૂષણ દેસાઈ ઉદ્ધવના જૂથ સાથે ન હતા. સુભાષ દેસાઈ એક મોટા ગજાના નેતા છે. અમે તેમના માર્ગદર્શનને અનુસરીએ છીએ.આ સાથે કટાક્ષ કરતા કહ્યું હતુ કે જેને જ્યાંજવું હોય તેણે જવુ જોઈએ.

આપને જણાવી દઈએ કે, ગયા મહિને ચૂંટણી પંચે શિંદેના નેતૃત્વવાળા જૂથને શિવસેનાનું નામ અને તેમની પાર્ટીને ધનુષ અને તીરનું પ્રતીક આપ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે શિંદેએ ગયા વર્ષે ભાજપ સાથે જોડાણ કરીને ઉદ્ધવ ઠાકરે સામે બળવો કર્યો હતો. આ પછી જ તેઓ ભાજપના સમર્થનથી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા. તો આ તરફ આદિત્ય ઠાકરેએ ચૂંટણી પંચની નિંદા કરી છે. આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળના જૂથને શિવસેના તરીકે ઓળખવાનો અને તેને ધનુષ અને તીરનું ચૂંટણી પ્રતીક ફાળવવાનો તેમનો નિર્ણય લોકશાહી માટે જોખમી છે. આદિત્ય ઠાકરેએ કહ્યું, “આ સમયે સીએમનો અર્થ ભ્રષ્ટાચારી માણસ છે. ગેરકાયદેસર અને ગેરબંધારણીય મુખ્ય પ્રધાને જરૂર પદ ખાલી કરવુ પડશે”

આદિત્ય ઠાકરે ઉત્તર મુંબઈમાં પાર્ટી કાર્યર્ક્તાઓની બેઠકને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેણે એકનાથ શિંદે પર નિશાન સાયુ હતુ. તેમણે કહ્યું કે શિવસેનાને આપવામાં આવેલ મશાલ પ્રતીક એક એવુ અજવાળુ છે. જે વિશ્ર્વાસઘાત અને પીઠ પર છરા મારવાથી થતા અંધકારને દૂર કરશે.તમને જણાવી દઈએ કે જ્યારથી પાર્ટીનું નામ અને ચૂંટણી ચિન્હ ગયું છે, ત્યારથી ઉદ્ધવ ઠાકરે અને તેમના પુત્ર આદિત્ય બંને સતત પાર્ટી કાર્યર્ક્તાઓને મળી રહ્યા છે.