નવીદિલ્હી,
કેન્દ્રીય સુચના અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે ફરી એકવાર કોંગ્રેસ પર જોરદાર શાબ્દિક હુમલો કર્યો છે અને પ્રિયંકા ગાંધી વાડ્રા પર મોટો આરોપ લગાવ્યો છે. અનુરાગ ઠાકુરે કહ્યું છે કે, યસ બેંકના કો-ફાઉન્ડર રાણા કપૂરને પ્રિયંકા ગાંધીની પેઇન્ટિંગ ખરીદવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. ઠાકુરે કહ્યું છે કે, કોંગ્રેસનું ભ્રષ્ટાચાર મોડલ બહાર આવી ગયું છે. અનુરાગ ઠાકુરે પૂછ્યું કે FATF રિપોર્ટ ઉપર ગાંધી પરિવાર ચૂપ કેમ છે ?
અનુરાગ ઠાકુરે પ્રિયંકા ગાંધીને પૂછ્યું કે પેઇન્ટિંગ વેચવાની શું જરૂર હતી અને તેમાંથી આવેલા ૨ કરોડ ક્યાં વાપરવામાં આવ્યા. આ ખરીદી વ્યવહારમાં ‘ઇ’ કોણ છે? શું પદ્મ ભૂષણ એવોર્ડ માટે પેઈન્ટિંગ ખરીદવામાં આવી હતી? આવા કેટલા વધુ પુરસ્કારો અને ચિત્રો વેચાયા અને પૈસા ભેગા થયા? તેમણે કહ્યું કે, કોંગ્રેસે દેશને વેચવાનો કોઈ મોકો છોડ્યો નથી.
તમને જણાવી દઈએ કે, જે પેઈન્ટિંગ પર ભાજપ, કોંગ્રેસ ઉપર ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહી છે, તે જાણીતા ચિત્રકાર એમએફ હુસૈન દ્વારા બનાવવામાં આવ્યું હતુ. યસ બેંકના કો-ફાઉન્ડર રાણા કપૂરે પ્રિયંકા ગાંધી પાસેથી કેનવાસ પર બનેલી રાજીવ ગાંધીની તસવીર સાથેની આ પેઇન્ટિંગ રૂપિયા ૨ કરોડમાં ખરીદ્યું હતુ.
મળતી માહિતી મુજબ, રાણા કપૂરે પણ ઈડીની સામે આ પેઈન્ટિંગને લઈને મોટો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે તેને આ પેઇન્ટિંગ ખરીદવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો. આ સાથે તેણે એમ પણ કહ્યું હતું કે, આ પેઇન્ટિંગના બદલામાં આપવામાં આવેલા ૨ કરોડ રૂપિયાનો ઉપયોગ સોનિયા ગાંધીની સારવાર માટે કરવામાં આવ્યો હતો. ફેડરલ એન્ટી મની લોન્ડરિંગ એજન્સી દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
રિપોર્ટ્સ અનુસાર રાણાએ તેમના પર દબાણ કરનાર મંત્રીનું નામ પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે તત્કાલિન પેટ્રોલિયમ પ્રધાન મુરલી દેવરાએ તેમને કહ્યું હતું કે જો તેઓ આ પેઇન્ટિંગ નહીં ખરીદે તો ગાંધી પરિવાર સાથે સંબંધ બાંધવામાં મુશ્કેલી પડશે.
આ પછી, મુરલી દેવરાના પુત્ર મિલિંદ દેવરાએ ૧ મે, ૨૦૧૦ ના રોજ રાણા કપૂરને એક પત્ર લખ્યો. આ પત્રમાં, તે રાણા કપૂરને કાકા તરીકે સંબોધે છે અને ખાતરી આપતા લખે છે કે આ પેઇન્ટિંગ ખરીદવુ ઉચિત છે. .મળતી માહિતી મુજબ, તે વારંવાર તેને પેઇન્ટિંગ ખરીદવા માટે કહેવામાં આવ્યુ છે. મળતી માહિતી મુજબ રાણાએ ઈડીને એ પણ જણાવ્યું કે અહેમદ પટેલે તેમને કહ્યું હતું કે જો તેઓ ગાંધી પરિવારને મદદ કરે છે તો તેઓ તેમને પદ્મ ભૂષણ આપવા પર વિચાર કરી શકે છે.