માતાનુ આગલી રાત્રે જ નિધન છતા ધો.૧૦ની વિદ્યાર્થીની પરીક્ષા આપવા પહોંચી, પરીક્ષા બાદ માતાના અંતિમ સંસ્કાર

વડોદરા,

ગુજરાત શિક્ષણ બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે અને વડોદરામાં હજારો વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. તેની વચ્ચે ધો.૧૦ની વિદ્યાર્થીની ખુશી ઉત્તેકર જે સ્થિતિમાં આજે પરીક્ષા આપવા આવી હતી તે જાણ્યા બાદ ઘણાની આંખો ભીની થઈ ગઈ હતી અને તેની અભ્યાસ પ્રત્યેની લગન માટે સન્માન પણ અનુભવ્યુ હતુ.

દંતેશ્ર્વર વિસ્તારમાં રહેતી ખુશીની માતાનુ પરીક્ષાની આગલી રાતે જ લાંબી બીમારી બાદ નિધન થયુ હતુ. આમ છતા ખુશી મન મકક્મ કરીને ઓએનજીસી કેમ્પસમાં આવેલી બરોડા સ્કૂલમાં પરીક્ષા આપવા માટે પહોંચી હતી અને પરીક્ષા આપી હતી.

વિદ્યાર્થીનીએ માતાના નિધન છતાં પરીક્ષા આપી હોવાની માહિતી મળ્યા બાદ વડોદરાના મેયર પણ વિદ્યાર્થિનીને મળવા માટે દોડી ગયા હતા. વિદ્યાર્થિનીની

સાથે આવેલા તેના ફોઈ દિપિકા ઉત્તેકરે કહ્યુ હતુ કે, અમે તેને માનસિક રીતે હુંફ આપીને તૈયાર કરી હતી કે, તારૂ વર્ષના બગડે તે માટે તારે પરીક્ષા આપવી જોઈએ. કારણકે બોર્ડ પરીક્ષા છે. અમે અહીંયા સુપરવાઈઝરને વિનંતી કરવા માટે આવ્યા હતા કે, તેનુ પેપર લખાઈ જાય એટલે તેને તરત જ બહાર નીકળવા દો.

ખુશીના ફોઈએ કહ્યુ હતુ કે, ખુશી તેની મરજીથી પરીક્ષા આપવા આવી છે. તેણે ના કહ્યુ હોત તો અમે પરીક્ષા આપવા માટે તેને ના મોકલતા. તેની હિંમતને અમે દાદ આપીએ છે. તેની પરીક્ષા પૂરી થશે તે બાદ તેની માતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં.