બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ કેન્દ્રો પર વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરી મોં મીઠા કરાવી સ્વાગત કરવામાં આવ્યું

અમદાવાદ/ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે અમદાવાદ સહિત રાજયભરમાં ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષાનો શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થયો હતો. તેની સાથે જ રાજયભરમાં પરીક્ષા ફીવર છવાઇ જવા પામેલ છે. પરીક્ષાના પ્રથમ દિવસે તમામ પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી ગુલાબના ફુલ આપી શુભેચ્છા આપવામાં આવી હતી.આજે બોર્ડ પરીક્ષાનો પહેલો દિવસ હોવાથી વિદ્યાર્થીઓનો તણાવ અને ગભરાટ દુર કરવા માટે સ્કૂલોમાં તેમનુ ગુલાબ, ચોકલેટ આપીને તથા કેટલીક જગ્યાએ ગોળ ધાણા ખવડાવીને સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ઘણી સ્કૂલોએ પ્રવેશ દ્વારા પર ફૂલોનુ ડેકોરેશન પણ કર્યુ હતુ.

પરીક્ષા શરૂ થતાની સાથે જ આજે સવારે પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ અને વાલીઓના ટોળા જોવા મળ્યા હતા. પરીક્ષા શરૂ થયા બાદ પણ આકરા તાપમાં મોટાભાગના વાલીઓ પરીક્ષા કેન્દ્રની બહાર પેપર પુરૂ થાય તેની રાહ જોતા નજરે પડ્યા હતા.જયારે વાલીઓ પોતાના વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ અને ગભરાયા વિના પેપર લખવાની સુચના આપતા નજરે પડી રહ્યાં હતાં જો કે ધો.૧૦ અને ધો.૧૨ના પ્રથમ દિવસની પરીક્ષાના પેપર સહેલા હોવાથી વાલીઓ અને વિદ્યાર્થીઓ ખુશ નજરે પડયા હતાં અને આશા વ્યકત કરી હતી કે આગામી પેપરો પણ સહેલા પુછવામાં આવશે

રાજકોટ જિલ્લાના ૮૩૬૫૦ સહિત રાજયના ૮૩૬૫૦ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છના ચાર લાખથી વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. પરીક્ષાના આજે પ્રથમ દિવસે સવારના સેશનમાં ધો.૧૦માં ગુજરાતી-હિન્દી-અંગ્રેજી પ્રથમ ભાષાના અને ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં સહકાર પંચાયત વિષયના પ્રથમ પેપર હતું જયારે બપોરના સેશનમાં ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં એકાઉન્ટ તેમજ વિજ્ઞાન પ્રવાહમાં ફીઝીક્સ વિષયના પેપર લેવામાં આવ્યું છે. ભાવનગર જિલ્લામાં ધો.૧૦ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહમાં કુલ મળીને ૬૯,૬૭૯ વિદ્યાર્થીઓ નોંધાયા છે. અને તેઓની બોર્ડની ક્સોટી શરૂ થયેલ છે.અમરેલી જિલ્લામાં કુલ ૩૫,૬૯૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આ અંગેની વિગતો આપતા જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે, અમરેલી જિલ્લામાં ધો.૧૦ માટે અમરેલી અને સાવરકુંડલા એમ બે ઝોન પાડવામાં આવ્યા છે. ધો.૧૨ માટે સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ એમ બે ઝોન પાડવામાં આવ્યા છે. જિલ્લામાં સુચારૂરૂપથી આ પરીક્ષાનો પ્રારંભ થવા પામેલ છે.

જયારે જૂનાગઢમાં ધો.૧૦ની બોર્ડની પરીક્ષામાં ૨૫૭૭૯ વિદ્યાર્થીઓ, ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૧૫૮૦૪ અને વિજ્ઞાન પ્રવાહમાં ૩૦૪૫ વિદ્યાર્થી કુલ ૪૪૬૮ નોંધાયા છે. જુનાગઢ જિલ્લામાં બોર્ડની પરીક્ષા માટે ૩૨ કેન્દ્રો ઉપર પરીક્ષા માટે ૩૨ કેન્દ્રો ઉપર પરીક્ષા પ્રારંભ થયેલ છે. ૧૫૭ બિલ્ડીંગો ઉપર બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.વડોદરા શહેર અને જિલ્લામાં ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાનો આજથી પ્રારંભ થઈ ગયો છે. વડોદરા શહેર અને જિલ્લામાં ૭૭૦૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા આપી રહ્યા છે.