વિરાટ કોહલીના નામે વધુ એક વર્લ્ડ રેકોર્ડ, ત્રણેય ફોરમેટમાં ૧૦ કે તેથી વધુ વાર પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ મેળવનાર વિશ્ર્વનો પ્રથમ ખેલાડી

મુંબઇ,

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદ ખાતે રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીએ ૧૮૬ રનની શાનદાર ઈનિંગ રમી હતી. ટેસ્ટ ક્રિકેટમાં ત્રણ વર્ષના લાંબા સમય બાદ વિરાટના બેટથી સદી આવી હતી. આ સદીથી ફેન્સ ખુબ ખુશ થયા હતા. આ શાનદાર ઈનિંગના કારણે વિરાટને ’પ્લેયર ઓફ ધ મેચ’ એવોર્ડ પણ મળ્યો હતો. આ પ્લેયર ઓફ ધ મેચ સાથે વિરાટે પોતાના નામે એક મોટો રેકોર્ડ કર્યો છે. આ પહેલા વિશ્ર્વમાં કોઈપણ ખેલાડીએ આ રેકોર્ડ બનાવ્યો નથી.

વિરાટ કોહલી ત્રણેય ફોરમેટમાં ૧૦ કે તેથી વધુ વાર પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ મેળવનાર વિશ્ર્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે. ટેસ્ટ ક્રિકેટમાં આ વિરાટનો ૧૦મો એવોર્ડ મેળવ્યો છે. આ ઉપરાંત વનડેમાં ૩૮ અને T20 માં ૧૫ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ મેળવ્યા છે. વિરાટના નામે કુલ ૬૩ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ છે. આમ તે વિશ્ર્વમાં સચિન તેન્ડુલકર પછી સૌથી વધુ છે. સચિન તેન્ડુલકરના નામે ૬૬૪ મેચોમાં ૭૬ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ સામેલ છે.