
ગોધરા,
ગોધરા નગર પાલિકા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી સ્ટ્રીટ લાઈટ અને જાહેર રસ્તા પરના થાંભલા ઉપરથી લાઈટો બંધ કરી દેવામાં આવતાં શહેરના માર્ગો ઉપર અંધારપટ છવાયો છે. જેને લઈ ચોરીના કિસ્સાઓ વધતા નગરજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરની સ્ટ્રીટ લાઈટોના પ્રશ્ર્ને પંચમહાલ કલેકટરને લેખિત રજુઆત કરાઈ છે.
ગોધરા નગર પાલિકા દ્વારા સ્ટ્રીટ લાઈટના વીજ બીલના નિકળતા લેણાની રકમ ભરપાઈ નહિ કરવામાં આવતાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા સ્ટ્રીટ લાઈટનું વીજ કનેકશન કાપી નાખવામાં આવેલ છે. વીજ કંપની દ્વારા સ્ટ્રીટ લાઈટના બાકી નિકળતા લેણાની રકમ નહિ ભરતા નગરજનો પરેશાનીનો ભોગ બનવું પડયું છે. નગર પાલિકાના સત્તાધિશોની નિષ્ફળતાનું પરિણામ સામે આવ્યું છે. નગર પાલિકા સ્ટ્રીટ લાઈટ વીજ કનેકશન કાપી નાખવામાં આવતાં 17 જેટલા વિસ્તારો ઈમરાન મસ્જીદ વિસ્તાર, કાળાભાઈ પેટ્રોલ પંપ વિસ્તાર, મહાવીન નગર, પાવર હાઉસ રોડ, જય યોગેશ્ર્વર સોસાયટી, જય યોગેશ્ર્વર રોડ, ભુરાવાવ સત્યમ નગર સોસાયટી, વલ્લભનગર, વૃંદાવન નગર, ભુરાવાવ કેબીન જૈન દેરાસર, લાલબાગ રોડ, સૈયદવાડા, જીઆઈડીસી વિસ્તાર છેલ્લા કેટલાય દિવસથી અંધારપટ છવાયો છે. શહેરના મુખ્યમાર્ગ અને સોસાયટી વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ બંધ રહેતા અંધારપટને લઈને નાનીમોટી ચોરીના કિસ્સાઓ વધી રહ્યા છે. નગરજનો પાલિકામાં વિવિધ પ્રકારના વેરાઓ ભરતી હોય તેમ છતાં પાલિકાની નિષ્ફળતાનો ભોગ નગરજનો બની રહ્યા છે. આ બાબતે ગોધરાના જાગૃત નાગરિક દ્વારા પંચમહાલ કલેકટરને લેખિત રજુઆત કરી પાલિકાને સુપરસીડ કરી તેને તેનું સંચાલન કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.