લુણાવાડામાં રખડતા ઢોરોનો ત્રાસ : પિતા-પુત્રીને અડફેટે લીધા

લુણાવાડા,

રાજયમાં અનેક શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે કેટલાક શહેરોમાં રખડતા ઢોરના હુમલાને કારણે કેટલાક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે લુણાવાડામાં રખડતા ઢોરે એક વૃદ્ધ અને યુવતિને અડફેટમાં લેતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે સદનસીબે સ્થાનિક રહિશો ત્યાં તાત્કાલિક દોડી આવતા ઢોરને ત્યાંથી ભગાડી દેતા વધુ ઈજામાંથી પિતા અને પુત્રી બચ્યા હતા.

શહેરના પરા બજાર વિસ્તારમાં આવેલ ગણપતિ મંદિરચોક પાસે રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. જયાં ગણપતિ મંદિર બાજુ ચાલતી આવી રહેલા વૃદ્ધ પિતા-પુત્ર પર રખડતા ઢોરએ અચાનક હુમલો કર્યો હતો. જયાં ગજજર ટેલર સામેના રોડ પર ચાલતા આવી રહેલા બંને પિતા-પુત્રીને પાછળથી આવી રહેલ ઢોરે હુમલો કરતા તે બંને નીચે પડી ગયા હતા. જો કે તરત જ આસપાસના સ્થાનિક રહિશો દોડી આવતા ઢોરને ભગાડી દઈ બંનેનો જીવ બચાવી લીધો હતો પરંતુ તેઓને ઈજાઓ પહોંચતા 108 મારફતે લુણાવાડાની જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે,રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે. અને એકબાદ એક શહેરોમાંથી રખડતા ઢોરના આતંક સામે આવી રહ્યા છે ત્યારે મહિસાગરના લુણાવાડામાં પણ રખડતા ઢોરના હુમલાનો બનાવ સામે આવ્યો છે. જોકે સદનસીબે વૃદ્ધ દાદા અને તેમની દિકરીનો આબાદ બચાવ થયો હતો. પરંતુ રખડતા ઢોર પકડવામાં લુણાવાડા પાલિકા નિંદ્રાધિન સામે આવી છે.