વન વિસ્તારમાં અચાનક આગ ભભૂકી,લુણાવાડામાં આવેલા કાલીકા માતાના ડુંગર વિસ્તારમાં વિકરાળ આગ; ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો

  • પંચાયત વિસ્તારની નીલગીરીમાં આગ ભભૂક્તા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

મહિસાગર,

મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેર ખાતે આવેલા કાલિકા માતા મંદિરની પાછળના ભાગે ડુંગર વનવિસ્તારમાં અચાનક તીવ્ર ગતિએ આગ ભભૂકી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અડધા ડુંગર સુધી આગ પહોંચી ગઈ હતી. ત્યારે આગ લાગવા બાબતની લુણાવાડા વન વિભાગના કર્મીઓને જાણ થતા તાત્કાલિક તેવો કાલિકા માતા મંદિર ડુંગર ખાતે પહોંચ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવા માટે પ્રયાસ હાથ ધર્યા હતા. આગ એટલી વિકરાળ હતી કે, સમગ્ર વિસ્તારમાં પ્રસરી ચુકી હતી. ત્યારે વન વિભાગની ટીમ દ્વારા ભારે જહેમત બાદ હેવી બ્લોવર જેવા સાધનોથી આગને વધુ પ્રસરતી અટકાવી સંપૂર્ણ કાબુમાં લીધી હતી.

મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં આવેલા ગૂંથલી ગ્રામ પંચાયત વિસ્તારની નીલગીરીમાં પણ થોડા દિવસ અગાઉ ભારે આગ ભભૂકી હતી. જેમાં પંચાયત વિસ્તારની નીલગીરીમાં આગ ભભૂક્તા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. નીલગીરીની બાજુમાં જ રહેણાંક વિસ્તાર અને ખેતરો હતા અને ખેતરોમાં ઉભો પાક હતો. ત્યારે આગ ભભૂક્તા સ્થાનિક રહીશો અને ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો હતો, પરંતુ સ્થાનિક લોકો પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવી લેવાયો હતો. ત્યારે ફરી એકવાર મહીસાગર જિલ્લામાં જંગલ વિસ્તારની અંદર આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં મહાકાળી મંદિર લુણાવાડા ડુંગર ખાતે આજે સાંજના સુમારે એકાએક અગમ્ય કારણોસર આગ ભભૂકી હતી. જોકે વન વિભાગના કર્મચારીઓની શ્રેષ્ઠ કામગીરીથી ગણતરીના સમયમાં જ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.