નવીદિલ્હી,
ભારતની આરઆરઆર ફિલ્મનું ગીત નાટુ નાટુએ એકેડેમી એવોર્ડ્સમાં શ્રેષ્ઠ ઓરિજીનલ ગીતની શ્રેણીમાં ઓસ્કાર જીતીને ઈતિહાસ રચ્યો છે. તે જ સમયે, ભારતીય ફિલ્મ The Elephant Whisperers એ સમારોહમાં શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મનો એવોર્ડ જીત્યો છે. આ પુરસ્કાર બાદ ભારતમાં ઉજવણીનો માહોલ છે. ત્યારે આ બધાની વચ્ચે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને RRR અને ‘ધ એલિફન્ટ વ્હીસ્પર્સ’ના નિર્માતાઓને અભિનંદન પાઠવ્યા છે. પીએમએ કહ્યું હતુ કે “અસાધારણ! ‘નાટુ નાટુ’ની લોકપ્રિયતા વૈશ્ર્વિક છે. આ એક એવું ગીત છે જે આવનારા વર્ષો સુધી યાદ રહેશે. આ પ્રતિષ્ઠિત સન્માન માટે એમએમ કીરવાણી અને ચંદ્રબોઝ સહિત સમગ્ર ટીમને અભિનંદન. ભારત ઉત્સાહિત અને ગર્વ અનુભવે છે.”
કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ધ એલિફન્ટ વ્હીસ્પર્સ માટે ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેણે પોતાના ટ્વિટમાં લખ્યું- તમે અમને બધાને ગૌરવ અપાવ્યું છે આ એવોર્ડને લઈને વાત કરીએ તો જે ક્ષણની ચાહકો એક વર્ષથી રાહ જોઈ રહ્યા હતા. તે ક્ષણ આજે આવી ગયો અને ભારતે એક નહીં પણ બે ઓસ્કાર એવોર્ડ્સ મેળવ્યા છે. ઓસ્કાર ૨૦૨૩ જેમાં ભારતની RRR ફિલ્મનું નાટુ-નાટુ ગીત પણ બેસ્ટ સોંગ કેટેગરીમાં નોમિનેટ થયું હતુ અને આ ગીતને તેનો પ્રથમ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ આપવામાં આવ્યો છે. જેના કારણે દરેકને આશા હતી કે આ ગીત પણ ઓસ્કાર એવોર્ડ જીતશે અને તે આશાની આજે જીત થઈ છે.
દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અને દિગ્ગજ નેતા એમ વેંકૈયા નાયડુએ પણ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. ફિલ્મના ગીતનું પોસ્ટર શેર કરતાં તેણે લખ્યું- ઓસ્કર જીતવા અને ઈતિહાસ રચવા માટે સંગીતકાર કીરવાણી, ગીતકાર ચંદ્રબોઝ, નિર્દેશક રાજામૌલી અને આરઆરઆર ટીમને ખૂબ ખૂબ અભિનંદન.