શિંદે સેનાની મહિલા પ્રવક્તા-વિધાનસભ્યના વાંધાજનક વિડિયો મામલે બેની ધરપકડ કરાઈ

મુંબઇ,

મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથના માગાથાણેના વિધાનસભ્ય પ્રકાશ સુર્વે અને આ જૂથનાં મહિલા પ્રવક્તા અને ભૂતપૂર્વ નગરસેવિકા શીતલ મ્હાત્રેનો એક વાંધાજનક વિડિયો વાઇરલ થયો હતો. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આ મામલામાં બે આરોપીની ગઈ કાલે ધરપકડ કરી હતી.

ફેસબુકમાં વાઇરલ કરવામાં આવેલો વિડિયો મૉર્ફ કરીને પોતાની બદનામી કરવામાં આવી હોવાની ફરિયાદ એકનાથ શિંદે જૂથની પ્રવક્તા અને ભૂતપૂર્વ નગરસેવિકા શીતલ મ્હાત્રેએ પોલીસમાં નોંધાવી હતી. પોલીસે તપાસ કરીને અશોક મિશ્રા અને માનસ કુવર નામના બે આરોપીઓની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું હતું.

શીલત મ્હાત્રેએ આ મામલે કહ્યું હતું કે ‘આજે હું કોઈની માતા અને કોઈની બહેન છું. મારા વિરોધીઓના ઘરમાં પણ મા-બહેન હશે. વિરોધીઓ આટલી હદે જઈને અશ્લીલ વિડિયો વાઇરલ કરે એ ખૂબ ખરાબ બાબત છે. આ વિડિયો ઉદ્ધવ ઠાકરે જૂથના યુવાસેનાના કાર્યકરોએ વાઇરલ કર્યો હોવાની જાણ થતાં મેં દહિસર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બે જણ સામે કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે.’

ઉલ્લેખનીય છે કે શનિવારે રાત્રે ફેસબુકમાં માતોશ્રી નામના પેજ પર વાંધાજનક વિડિયો ઉદ્ધવ ઠાકરે જૂથના કેટલાક પદાધિકારીઓએ પોસ્ટ કર્યો હોવાનો આરોપ શીતલ મ્હાત્રેએ કર્યો હતો. બાદમાં શીતલ મ્હાત્રે અને પ્રકાશ સુર્વેના સમર્થકોએ દહિસર પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી હતી.