નવીદિલ્હી,
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના કૈમ્બ્રિજ ભાષણ પર આજે રાજ્યસભામાં સત્તાધારી પાર્ટીના સાંસદોએ ભારે હોબાળો મચાવ્યો હતો. રક્ષામંત્રી રાજનાથ સિંહ અને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે રાહુલ ગાંધીને સદનમાં માફી માગવા માટે કહ્યું હતું. રક્ષામંત્રીએ કહ્યું કે, રાહુલ ગાંધી સંસદમાં આવીને માફી માગે. તો વળી પીયૂષ ગોયલે કહ્યું કે, રાહુલ ગાંધીએ વિદેશની ધરતી પર જઈને ભારતનુ અપમાન કર્યું છે. તેમણે કહ્યું કે, રાહુલને દરેક સ્તર પર માફી માગવી પડશે. તો વળી કેન્દ્રીય મંત્રી પ્રહ્રાદ જોશીએ કહ્યુ કે, રાહુલે લોક્તંત્ર અને સ્પીકર પર સવાલો ઉઠાવ્યા છે. હોબાળાની વચ્ચે રાજ્યસભાની કાર્યવાહી ૨ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.જો કે બાદમાં પણ હંગામો થતાં કાર્યવાહી આખા દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી
રક્ષામંત્રી રાજનાથ સિંહે લોક્સભામાં રાહુલ ગાંધીની લંડન સ્પીચ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીએ લંડનમાં ભારતનું અપમાન કર્યું છે, જે સદનના એક સભ્ય છે. તેમણે કહ્યું કે, હું માંગ કરુ છું કે, આખું સદન રાહુલ ગાંધીની ટિકા કરે અને તેમને સદનમાં આવીને માફી માગવા કહે. તો વળી કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે રાહુલના સંસદમાં બોલવા નહીં દેવાના અને માઈક બંધ કરી દેવાના નિવેદન પર કહ્યું કે, આ નિવેદન લોક્સભાનું અપમાન છે. સદનના સ્પીકરે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ. તેમના વિરુદ્ધ લોક્તંત્રનું અપમાન કરવા માટે રાજદ્રોહનો કેસ થવો જોઈએ.