
સુરત,
સુરતના ઉન વિસ્તારમાં એક કરુણ ઘટના સામે આવી છે. જેમાં એક શ્રમિક પરિવારના બે બાળકો રમી રહ્યા હતા. આ દરમ્યાન ૫ વર્ષીય બહેને લાકડાનો દરવાજો ખેંચતા તે દરવાજો તેના દોઢ વર્ષના તેના ભાઈ પર પડ્યો હતો. જેમાં દોઢ વર્ષીય બાળકને ગંભીર ઈજાઓ થતા તેનું મોત નિપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ મધ્યપ્રદેશના જાંબવાના બલસીંગનો પરિવાર પરિવારનું પેટ ભરવા માટે સુરત આવીને રહે છે. હાલ પતિ-પત્ની બંને સુરતના ભેસ્તાન રેલવે સ્ટેશન પાસે રહેતા બલસિંગ ક્તારા ઉન પાટિયા ખાતે રાહત કોલોનીમાં ચાલતા બાંધકામ સ્થળે કામ કરે છે. બલસીંગભાઈ રવિવારે સવારે તેની પત્ની અને પાંચ વર્ષીય પુત્રી પુનમ તથા દોઢ વર્ષીય પુત્ર કાર્તિકને સાથે લઈ ઉનપાટિયા ખાતે રાહત કોલોનીમાં ચાલતી બાંધકામ સાઈટ પર ગયા હતા.
બપોરના સમયે બાંધકામ સાઈટ પર બલસીંગ અને તેની પત્ની જમવા બેઠા હતા. તે સમયે પુનમ અને કાર્તિક રમી રહ્યા હતા. દરમિયાન રમતા-રમતા પુનમે બાંધકામ સાઈટ પર મુકેલો લાકડાનો દરવાજો ખેંચ્યો હતો. જે તેણીની સાથે રમી રહેલા તેના ભાઈ કાર્તિક પર પડ્યો હતો. જેથી કાર્તિકના માથા અને પીઠના ભાગે ગંભીર ઇજા થઈ હતી. બીજી તરફ કાર્તિકને ગંભીર હાલતમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. બાળકના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. આ મામલે સચિન જીઆઈડીસી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.