
- ગુજરાતના ૨૨ સાંસદોના પત્તા કપાઈ શકે છે
ગાંઘીનગર,
ગુજરાત વિધાનસભાની ચૂંટણી હજી ત્રણ મહિના પહેલા જ થઈ. ને લોક્સભાની ચૂંટણીને હજી ૧૩ મહિનાની વાર છે. પરંતું ભાજપે ફરી એકવાર રેકોર્ડ તોડવાનું મન બનાવી લીધું છે. ભાજપે લોક્સભાની ૨૬ બેઠકો જીતવાનો ટાર્ગેટ સેટ કર્યો છે. પરંતું આ ટાર્ગેટમાં ભાજપ નવાજૂની કરે તેવા એંધાણ છે. કારણ કે, વિધાનસભાની ચૂંટણીની જેમ લોક્સભાની ચૂંટણીમાં પણ ભાજપ નવા ચહેરાઓને ટિકિટ આપી શકે છે. ભાજપ વિધાનસભાની ચૂંટણીની જેમ લોક્સભાની ચૂંટણીમાં નવોદિતોને તક આપવા માંગે છે. જો આવું થયુ તો અનેક જૂના સાંસદોનું પત્તુ કપાઈ શકે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ભાજપના આ નિર્ણયથી એક-બે નહિ, પરંતું લગભગ ૨૨ જેટલા સાંસદોની ટિકિટ કપાઈ શકે છે.
ભાજપ ફરી એકવાર મોટા માજન સાથે લોક્સભા ચૂંટણી જીતવા માંગે છે. આ માટે ગુજરાત ભાજપે ગોલ સેટ કર્યો છે. આ માટે ભાજપ નવા ચહેરા પર દાવ લગાવવા જઈ રહ્યું છે. ૨૦૨૪ ની લોક્સભાની ચૂંટણીમાં ભાજપમાં નવાજૂની થવાના એંધાણ છે. કારણ કે, લગભગ મોટાભાગના સાંસદો પર કાતર ફરી શકે છે તેવુ સૂત્રોનું કહેવું છે. જોકે, આ નવા ચહેરા કોણ હશે અને કોણ કપાશે તે માટે કમલમમાં કાનાફૂસી શરૂ થઈ ગઈ છે.
ભાજપે નવા સાંસદ ચહેરા તરીકે સ્ક્રીનિંગ અત્યારથી જ શરૂ કર્યુ હોવાનું ચર્ચાય છે. એટલે કે ઉમેદવાર શોધો આંદોલન. લોક્સભાની ચૂંટણીમાં ૨૬ પૈકી ૨૨ નવા ચહેરા મુકાશે. એવી પણ ચર્ચા છે કે, ભાજપ ૮ થી ૧૦ બેઠકો પર વર્તમાન ધારાસભ્યોને ટિકિટો આપશે. ૨૦૧૪ અને ૨૦૧૯ની લોક્સભા ચૂંટણીમાં પણ કેટલીક બેઠકો પર ચાલુ ધારાસભ્યોને ટિકિટ અપાઈ હતી. જો કે આ વખતે તેનું પ્રમાણ વધશે. તેમાં આયાતી ઉમેદવારોને ચાન્સ મળી શકે છે. ખાસ કરીને, કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને પણ તક મળી શકે છે. હાલ ગુજરાતમાંથી ૬ મહિલા સાંસદો છે અને નવી યાદીમાં પણ મહિલાઓની સંખ્યા સારી રીતે જળવાશે.
જેમની ટિકિટ કપાઇ શકે છે તેમાં રાજેશ ચુડાસમા (જૂનાગઢ), નારણ કાછડિયા (અમરેલી), મિતેશ પટેલ (આણંદ), દેવુસિંહ ચૌહાણ (ખેડા), રતનસિંહ રાઠોડ (પંચમહાલ), જશવંતસિંહ ભાભોર (દાહોદ), રંજનબેન ભટ્ટ (વડોદરા), ગીતાબેન રાઠવા (છોટા ઉદેપુર), પરભુ વસાવા (બારડોલી), દર્શના જરદોશ (સુરત), કે.સી. પટેલ (વલસાડ), પરબત પટેલ (બનાસકાંઠા), દીપસિંહ રાઠોડ (સાબરકાંઠા), ભરતજી ડાભી (પાટણ), શારદાબેન પટેલ (મહેસાણા), હસમુખ પટેલ (અમદાવાદ પૂર્વ), ડો. કિરીટ સોલંકી (અમદાવાદ પશ્ર્ચિમ), મહેન્દ્ર મુંજપરા (સુરેન્દ્રનગર), મોહન કુંડારિયા (રાજકોટ), રમેશ ધડુક (પોરબંદર), પૂનમ માડમ (જામનગર) નો સમાવેશ થાય છે.