સ્ત્રીની આબરૂની કિંમત લગાવાઈ રૂ.50000 : સગીરા પર બળાત્કાર

ઉત્તરપ્રદેશના સીતાપુરમા બનેલી આ ઘટનાએ માનવતા નેવે મુકી દીધી છે. પહેલા તો એક સગીરા ઉપર તેના ઘરમાં ઘુસીને રેપ કર્યો અને ત્યારબાદ ગામમાં પંચાયત બોલાવીને સગીરાની ઈજ્જતની કિંમત રૂ.50000 લોટરીના માધ્યમથી નક્કી કરી દીધા.

સીતાપુરના થાનગાવ વિસ્તારમાં 17 વર્ષની સગીરાએ આરોપ લગાવ્યો છે કે 29 ઓકટૉબરે જ્યારે તે તેના ઘરમાં સુતી હતી ત્યારે તેના પાડોશીએ ઘરમાં ઘુસીને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. પંચાયતમાં ન્યાયની આશાએ પીડિતા પોલીસ પાસે પહોચી તો પોલીસે પણ માત્ર છેડછાડની ફરિયાદ નોંધીને જવાબદારીથી મો ફેરવી લીધુ. હવે મિડીયામા આ વાત ઉછળતા પોલીસે હવે કાર્યવાહીની વાત કરી છે.

બનાવની ઘટના સમયે સગીરાએ બુમાબુમ કરતા તેની માતાની આંખ ખૂલી ગઈ હતી અને આરોપીને પકડી પાડ્યો હતો. પીડિતાની માએ જણાવ્યુ હતુ કે તેને આખા ગામને બોલાવીને આ મામલાની જાણકારી આપી હતી અને આખો મામલો પંચાયત સામે રાખવામાં આવ્યો હતો.પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે પંચાયતમાં 50,60 અને 70 હજારની ત્રણ ચિઠ્ઠી આપીને કહેવામા આવ્યુ કે આમાથી એક ચિઠ્ઠી સગિરા ઉપાડી લે અને તેમા જે રકમ આવશે તે આરોપીને આપવાની રહેશે. આ બાબતે પત્રકારોએ પોલીસને પુછતા પોલીસે કાર્યવાહી હાથ ધરીને આરોપીની ધરપકડ કરવાનું જણાવ્યું હતું.