મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો; બપોર બાદ આકાશમાં વાદળો ઘેરાતા ખેડૂત ચિંતિત

રાજ્યભરમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર કરવામાં આવી છે. ત્યારે રાજ્યના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. તો મહીસાગર જિલ્લામાં પણ બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો સર્જાયો છે. આકાશમાં વાદળો ઘેરાયા છે અને વાતાવરણ બદલાયું છે. જેથી ખેડૂતના માથે ફરીથી ચિંતાના વાદળો છવાયા છે.

જિલ્લામાં ખેડૂતનો પાક તૈયાર થવાની અણી પર છે. જ્યારે કેટલાક ખેતરોમાં પાક તૈયાર થઈ ગયેલો છે. ત્યારે આ રીતે વાતાવરણમાં પલટો આવતા જગતનો તાત ચિંતિત બન્યો છે. બીજી બાજુ ગરમીથી લોકોને થોડી રાહત મળી છે, પરંતુ જો જિલ્લામા કમોસમી વરસાદ વરસે તો ચોક્કસથી ખેતીના પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

માર્ચ મહિનાની શરૂૂઆતમાં જ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ત્યારે મહીસાગર જિલ્લામાં પણ માર્ચ મહિનાની શરૂૂઆતમાં જ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે ફરી એકવાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ફરીથી મહીસાગર જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. આજે રવિવારે બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને આકાશમાં વાદળો છવાતા જગતના તાતના માથે ફરી એકવાર ચિંતાનું મોજું છવાયું છે.

જિલ્લામાં મોટાભાગના ખેતરોમાં પાક તૈયાર થયેલો છે. જ્યારે કેટલાક ખેતરોમાં પાક ઉભો છે. તેવામાં આ રીતે બદલાયેલા મોસમથી ખેડૂત ચિંતિત બન્યો છે. તો બીજી બાજુ આંબાવાડી અને ખેતરોમાં રહેલ કેરી પરનો મોર પણ બગાડવાની શક્યતાથી કેરીના પાકને પણ નુકસાન જવાની શક્યતાઓ જોવા મળી રહી છે. જોકે મહીસાગર જિલ્લામાં હજી સુધી હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી નથી, પરંતુ જિલ્લામાં બદલાયેલા મોસમથી ખેડૂતો ચિંતિત બન્યા છે. જ્યારે વાદળછાયા વાતાવરણથી ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે.