ન્યુઝીલેન્ડને શ્રીલંકા નહીં હરાવી શકે, ભારત ફાઇનલમાં પહોંચશે : સંજય માંજરેકર

અમદાવાદ,

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ૨૦૨૩ની ફાઇનલ મેચ ૭ જૂનથી ઇંગ્લેન્ડના ઓવલમાં શરૂ થશે. ઓસ્ટ્રેલિયાએ હાલમાં જ ભારતીય ટીમને ઈન્દોર ટેસ્ટમાં હરાવીને આ ફાઇનલ મેચમાં જગ્યા બનાવી લીધી છે અને હવે બધાની નજરો ભારત અને શ્રીલંકાની ટીમના પ્રદર્શન પર રહેશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદમાં ટેસ્ટ મેચ શરૂ થઈ તો ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ગયેલી શ્રીલંકન ટીમની પહેલી ટેસ્ટ મેચ પણ ૯ માર્ચથી શરૂ થઈ ગઈ છે. ભારતના પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે ભવિષ્યવાણી આકરી છે કે શ્રીલંકા, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સીરિઝ નહીં જીતી શકે અને ફાઇનલમાં ભારતીય ટીમ જ જગ્યા બનાવશે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શરૂ થયેલી ટેસ્ટ મેચ દરમિયાન સંજય માંજરેકરે આ સંદર્ભમાં કહ્યું કે, આ ટેસ્ટ મેચમાં ઘણું બધુ થવાનું છે. આ દુનિયાના સૌથી મોટા સ્ટડિયમોમાંથી એકમાં રમાઈ રહી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતીય ટીમ પહોંચવાની કગાર પર છે, પરંતુ મને લાગે છે કે ભારત ફાઇનલમાં પહોંચશે. મને નથી લાગતું કે શ્રીલંકા ન્યૂઝીલેન્ડને હરાવવામાં સક્ષમ છે. એટલે મારું માનવું છે કે ભારતીય ટીમ પહેલા જ ફાઇનલમાં પહોંચી ચૂકી છે, પરંતુ તમારે અત્યારે પણ સત્તાવાર રીતે ત્યાં પહોંચવાનું છે. સાથે જ સીરિઝ પણ રોમાંચક થઈ ચૂકી છે. ઓસ્ટ્રેલિયાએ ઈન્દોરમાં શાનદાર વાપસી કરી હતી.

બીજી તરફ ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે ચાલી રહેલી પહેલી ટેસ્ટ મેચની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા શ્રીલંકન ટીમે પહેલી ઇનિંગમાં ૩૫૫ રન બનાવી દીધા છે. શ્રીલંકા તરફથી સૌથી વધુ રન કુશલ મેન્ડિસે (૮૭) બનાવ્યા છે. તો કરુણારત્નેએ અડધી સદી ફટકારી. એ સિવાય મેથ્યૂસે ૪૭, ધનંજયા ડી સિલ્વાએ ૪૬ રનની ઇનિંગ રમી છે. તો ન્યૂઝીલેન્ડ તરફથી સોથી વધુ વિકેટ ટીમ સાઉથી (૫ વિકેટ) મળી છે. જ્યારે મેટ હેનરીને ૪ અને બ્રેસવેલને ૧ વિકેટ મળી છે.