ઈમરાન અને તેના ૪૦૦ કાર્યકરો સામે હત્યા-આતંકવાદનો કેસ:૧૦૦ની ધરપકડ કરાઇ

  • ૮ માર્ચે, જમાન પાર્કની બહાર પીટીઆઈના કાર્યકરો અને લાહોર પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.

લાહૌર,

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમના ૪૦૦ કાર્યકરોની સામે હત્યા અને આતંકવાદનો કેસ નોંધવામાં આવ્યો છે. લાહોર પોલીસે ૧૦૦ કાર્યકરોની ધરપકડ કરી છે. ઈમરાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફની રેલીમાં કાર્યકરોનું પોલીસ સાથે ઘર્ષણ થયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. ઘર્ષણ દરમિયાન પીટીઆઇના એક કાર્યકરનું મોત પણ થયું હતું. ત્યારબાદ પોલીસે કાર્યકરોની સામે કેસ દાખલ કર્યો છે. આ બાબતે પીટીઆઇના નેતા ફવાદ ચૌધરીએ કહ્યું- અમારા કાર્યકરની હત્યાના આરોપમાં પોતાના સાથી સામે એફઆઇઆર નોંધવાના બદલે ઈમરાન અને તેમના ૪૦૦ કાર્યકરો સામે હત્યાના આરોપ લગાવવામાં આવ્યા છે.

ખરેખરમાં, ૮ માર્ચે પીટીઆઇના કાર્યકરો ઈમરાનના ઘરેથી એક રેલી યોજવાના હતા, જેને ધ્યાનમાં લેતા લાહોરમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી હતી. ત્યારબાદ જમાન પાર્કની બહાર એકઠા થયેલા પીટીઆઇના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે કાર્યકરોને ખદેડવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા તેમજ વોટર કેનનનો પણ ઉપયોગ કર્યો હતો. તીવ્ર ઘર્ષણને જોતા ઈમરાને રેલી અટકાવવાની જાહેરાત કરી હતી.

પીટીઆઇના જણાવ્યા મુજબ, ઘર્ષણમાં પોલીસે એક કાર્યકર અલી બિલાલની હત્યા કરી દીધી હતી અને અનેક કાર્યકરો ઘાયલ થયા હતા. જ્યારે, એફઆઇઆર મુજબ પીટીઆઇના સભ્યોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો, જેમાં ૧૧ જેટલા પોલીસકર્મી ઘાયલ થયા હતા.

ઇમરાને કહ્યું- સરકાર પંજાબમાં ચૂંટણી સ્થગિત કરવાનું બહાનું શોધી રહી છે અને આ માટે તેને મૃતદેહોની જરૂર છે. પોલીસે અમારા ૧૦૦ કાર્યકરોને ઝડપી લીધા છે. અમે સરકાર અને તેના નેતાઓની નાપાક યોજનાઓને સફળ થવા દઈશું નહીં. શાહબાઝ શરીફની પાર્ટી પીએમએલ એન સત્તામાં આવ્યાના ૧૧ મહિનામાં ઈમરાનની સામે નોંધાયેલો આ ૮૦મો કેસ છે.પીટીઆઇએ આ મામલે પંજાબના કેરટેકર ચીફ મિનિસ્ટર મોહસિન નક્વી સહિત ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહ, પંજાબ આઇજી ઉસ્માન અનવર અને લાહોર પોલીસના ચીફ બિલાલ કામયાન સામે કેસ નોંધાવવાની જાહેરાત કરી છે. જ્યારે પંજાબના IGએ  જમાન પાર્કની બહાર થયેલી ઝપાઝપીની તપાસ માટે ૨ સભ્યોની કમિટીની રચના કરી છે.

આ પહેલાં રવિવારે ઈસ્લામાબાદ અને લાહોર પોલીસ તોશાખાના મામલે ઈમરાનની ધરપકડ કરવા માટે તેમના ઘરે પહોંચી હતી. જો કે, તે સમયે ઈમરાન ગુમ થઈ જવાને કારણે પોલીસ તેમને પકડી શકી નહોતી અને ખાલી હાથે પરત ફરી હતી. આ દરમિયાન ધરપકડથી બચવા માટે ઈમરાન ખાને પોતાના સમર્થકોને જમાન પાર્કની બહાર એકઠા કરી દીધા હતા.