PM મોદીએ ગુજરાતીઓને આપી દિવાળી ભેટ, રો-પેક્સ ફેરીનું વર્ચ્યુઅલ ઉદઘાટન કર્યું

પ્રધાનમંત્રી મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અને દિવાળી ભેટ રૂપી હજીરા-ઘોઘા રો-પેક્સ ફેરી સર્વિસનું મોદીના હસ્તે વર્ચ્યુઅલ ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સુરતના હજીરા ખાતે મુખ્યમંત્રી રૂપાણી અને મંત્રી મનસુખ માંડવીયા હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ લોકાર્પણથી આ સુવિધાને ખુલ્લી મૂકી છે. જેને લઈને ભાવનગરના ઘોઘા ખાતે સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

લોકાર્પણ પહેલા ફેરીને દુલ્હનની જેમ શણગારવામાં આવી હતી. રો રો ફેરી ઉપરાંત ટર્મિનલ બિલ્ડીંગ અને આસ પાસના વિસ્તારોને ઝગમગ લાઈટીંગથી શણગારવામાં આવી હતી. સુરતથી સૌરાષ્ટ્ર જવા માટે 10થી 12 કલાકની માર્ગ મુસાફરી કરવી પડે છે. રો-પેક્સ સેવાને કારણે આ મુસાફરી માત્ર 4 કલાકની થઇ જશે.

લોકાર્પણ કર્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે, આ સર્વિસથી વેપારમાં સુવિધા વધશે, લોકોની કામ કરવાની સ્પીડ વધશે. આજે આ સુવિધાથી તમામ વર્ગના લોકોને સારી કનેક્ટિવિટીનો લાભ મળશે. આજે ગુજરાતના લોકોને દિવાળીના તહેવારની મોટી ભેટ મળી રહી છે. આ સર્વિસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બંને વિસ્તારના લોકોનું વર્ષોનુ સપનુ પૂરુ થયું છે. મહત્વનું છે કે, આ સેવાથી ઘોઘા અને હજીરા વચ્ચે રસ્તાનું જે અંતર 345 કિમી હતી, તે સમુદ્રના રસ્તાથી 90 કિમી થઈ જશે. જે અંતરને કવર કરવા 10 થી 12 કલાકનો સમય લાગતો હતો, હવે તે સફરમાં માત્ર 3-4 કલાક લાગશે. આ રોરો ફેરી સર્વિસનો લાભ એક વર્ષમાં 80 હજાર વાહનો, 30 હજાર ટ્રક લઈ શકશે. આમ, પેટ્રોલ અને ડીઝલની પણ મોટી બચત થશે, તેમજ ટ્રાફિક અને પ્રદૂષણ પણ ઓછુ થશે.