બિહારમાં આરજેડીના પૂર્વ ધારાસભ્ય અને દિલ્હીમાં લાલુની પુત્રી સહિતના ૧૫ સ્થળ પર ઈડીના દરોડા

પટણા,

બિહારમાં આરજેડીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. હાલમાં જ જમીનના બદલામાં નોકરી આપવાના મામલે પટનામાં પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીની પૂછપરછ કરવામાં આવી હતી. આ જ કેસમાં દિલ્હીમાં આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની પણ પૂછપરછ કરવામાં આવી હતી. આ મામલામાં કેન્દ્રીય તપાસ એજન્સી ઈડીએ આજે પટનામાં આરજેડીના અન્ય એક પૂર્વ ધારાસભ્યની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, ઈડીએ પટનામાં પૂર્વ ધારાસભ્ય અબુ દોજાનાના ઘર પર દરોડા પાડ્યા છે. તે જ સમયે, દિલ્હીમાં લાલુ પ્રસાદ યાદવની પુત્રીઓ અને ગુરુગ્રામમાં એક બિલ્ડરની ઓફિસ પર દરોડા પાડયા છે આ ઉપરાંત બિહારના મુખ્યમંત્રી તેજસ્વી યાદવના સ્થળો પર પણ દરોડાની કાર્યવાહી હાથ ધરી છે.

ઈડીના સૂત્રોના જણાવ્યા અનુસાર, લેન્ડ ફોર જોબ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસના સંબંધમાં પૂર્વ ધારાસભ્ય અબુ દોજાનાના ૧૫ સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, ફુલવારી શરીફમાં અબુ દોજાનાના ઘરે પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. જણાવી દઈએ કે, આ કેસમાં લાલુ પ્રસાદ યાદવ અને તેમનો પરિવાર પણ આરોપી છે. જાણકારી મળી રહી છે કે દિલ્હીમાં લાલુ પ્રસાદ યાદવની દીકરીઓના ઘરે પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. ઈડીની ટીમ ગુરુગ્રામમાં એક ખાનગી બિલ્ડરની ઓફિસે પણ પહોંચી છે.

તમને જણાવી દઈએ કે, પૂર્વ ધારાસભ્ય અબુ દોજાના એક કન્સ્ટ્રક્શન કંપનીના માલિક છે. આઈટીની ટીમે અબુ દોજાના સ્થળ પર કાર્યવાહી કરી છે. પૂર્વ ધારાસભ્ય અબુ દોજાના સીતામઢીના સુરસંદથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ લાલુ પ્રસાદ યાદવની ખૂબ નજીક છે. પટનામાં બની રહેલા એક મોલમાં પણ અબુ દોજાનાનું નામ સામે આવ્યું છે. સુત્રો જણાવે છે કે આ મોલ અબુ દોજાનાનો છે અને તેમાં લાલુ પરિવારનો હિસ્સો છે. ભાજપે પણ આ અંગે લાલુ પરિવાર પર અનેક આરોપો લગાવ્યા છે.

હાલમાં જ સીબીઆઈની ટીમ પટનામાં પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીના ઘરે પહોંચી હતી. સીબીઆઈએ લેન્ડ ફોર જોબ કૌભાંડ કેસમાં રાબડીની પૂછપરછ કરી હતી. સીબીઆઈની એક ટીમ લાલુ પ્રસાદ યાદવની પુત્રી મીસા ભારતીના દિલ્હી સ્થિત આવાસ પર પણ પહોંચી હતી. વાસ્તવમાં લાલુ પ્રસાદ યાદવ હાલમાં મીસા ભારતીના ઘરે રોકાયા છે. અહીં સીબીઆઈની ટીમે તેની પૂછપરછ કરી હતી.