પીએમ મોદીએ હાલમાં જ ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર થયેલા હુમલાનો મુદ્દો ઓસ્ટ્રેલિયાના પીએમ સામે ઉઠાવ્યો.

નવીદિલ્હી,

પીએમ મોદીએ હાલમાં જ ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર થયેલા હુમલાનો મુદ્દો ઓસ્ટ્રેલિયાના પીએમ સામે ઉઠાવ્યો. અત્રે જણાવવાનું કે પ્રધાનમંત્રીએ શુક્રવારે ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની અલ્બનીઝ સાથે વિભિન્ન મુદ્દાઓ પર વાત કરી.

પીએમ મોદીએ કહ્યું કે આ દુ:ખનો વિષય છે કે છેલ્લા કેટલાક સપ્તાહથી ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર હુમલાના સમાચાર નિયમિત રીતે આવી રહ્યા છે. સ્વાભાવિક છે કે આવા સમાચાર ભારતમાં લોકોને ચિંતિત કરે છે, અમારા મનને વ્યથિત કરે છે. તેમણે કહ્યું કે અમારી આ ભાવનાઓ અને ચિંતાઓને મે પ્રધાનમંત્રી અલ્બનીઝ સામે રજૂ કરી છે. તેમણે મને ખાતરી આપી છે કે ભારતીય સમુદાયની સુરક્ષા તેમના માટે વિશેષ પ્રાથમિક્તા છે. આ વિષય પર અમારી ટીમો નિયમિત રીતે સંપર્કમાં રહેશે અને યથાસંભવ સહયોગ કરશે. પીટીઆઈ ભાષાના જણાવ્યાં મુજબ છેલ્લા બે મહિનામાં મંદિરો પર હુમલાની ચાર ઘટનાઓ સામે આવી ચૂકી છે.

ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં એક પ્રમુખ હિન્દુ મંદિરમાં ખાલિસ્તાન સમર્થકોએ ચાર માર્ચના રોજ તોડફોડ કરી. આ ઘટના બ્રિસ્બેનના શ્રી લક્ષ્મીનારાયણ મંદિરમાં ઘટી. પીટીઆઈ ભાષાના જણાવ્યાં મુજબ આ ઘટના અંગે હિન્દુ હ્યુમન રાઈટ્સના ડાઈરેક્ટર સારા ગેટ્સે કહ્યું કે આ તોડફોડની ઘટના ઓસ્ટ્રેલિયાના હિન્દુઓને ડરાવવાનો એક પ્રયત્ન છે.

ગેટ્સે કહ્યું હતું કે આ ઘટના વિશ્ર્વ સ્તર પર શિખ ફોર જસ્ટિસની એક પેટર્ન છે જે સ્પષ્ટ રીતે ઓસ્ટ્રેલિયન હિન્દુઓને ડરાવવાનો પ્રયત્ન છે. આ સંગઠન (ખાલિસ્તાન સમર્થક) દુષ્પ્રચાર, સાઈબર બુલિંગ કરવાની સાથે સાથે ડરાવવા ધમકાવવાની ગતિવિધિઓમાં સંડોવાયેલું છે.

અહેવાલ મુજબ આ અગાઉ ૨૩ જાન્યુઆરીએ મેલબર્નના આલ્બર્ટ પાર્કમાં પ્રતિષ્ઠિત ઈસ્કોન મંદિરની દીવાલો પર હિન્દુસ્તાન મુર્દાબાદ લખ્યું હતું. ૧૬ જાન્યુઆરીએ વિક્ટોરિયાના કેરમ ડાઉન્સમાં ઐતિહાસિક શ્રી શિવ વિષ્ણુ મંદિરમાં આ પ્રકારની તોડફોડ થઈ હતી. ૧૨ જાન્યુઆરીએ મેલબર્નના સ્વામીનારાયણ મંદિરમાં અસામાજિક તત્વોએ ભારત વિરોધી નારા લખ્યા હતા.