વંદે ભારત ટ્રેન હવે ટાટા ગ્રુપ બનાવશે, રેલવે સાથે કરાર : બે વર્ષમાં ૨૦૦ ટ્રેન ઉમેરવા રેલવેનો ટાર્ગેટ

મુંબઇ,

હવાઈ મુસાફરી બાદ ટાટા ગ્રુપની નજર હવે દેશના રેલવેના પાટા પર પડી ચૂકી છે. જેની પર દેશની સૌથી નવી ટ્રેન વંદે ભારત દોડી રહી છે. ટાટા ગ્રુપની મોટી કંપનીઓમાંથી એક ટાટા સ્ટીલે સરકારની સાથે એક એગ્રીમેન્ટ સાઈન કર્યો છે.

આ એગ્રીમેન્ટ હેઠળ ટાટા સ્ટીલ માત્ર બે અઠવાડિયામાં એક ટ્રેન બનાવીને આપશે. આગામી એક વર્ષમાં ટાટા સ્ટીલ ૨૨ ટ્રેનનું નિર્માણ કરવાની જાહેરાત કરી છે. ઈન્ડિયન રેલવે અને ટાટા સ્ટીલની વચ્ચે એક સાઈન થઈ ચૂક્યો છે.

રેલવે મંત્રાલય તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ આગામી બે વર્ષમાં ૨૦૦ નવી વંદે ભારત ટ્રેન લાવવાનો ટાર્ગેટ રાખ્યો છે. વર્ષ ૨૦૨૪ના પહેલા ક્વાર્ટરમાં ભારતીય રેલ્વે વંદે ભારતનું સ્લીપર વેરિઅન્ટ લાવવાની યોજના બનાવી રહ્યું છે. ટ્રેન નિર્માણની સ્પીડને વધારવા માટે ઈન્ડિયન રેલવેએ ટાટા સ્ટીલની સાથે ઘણા પ્રોજેક્ટસના એમઓયુ સાઈન કર્યા છે.

આ નવી ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસ એસીથી લઈ થ્રી ટીયર કોચમાં લાગનારી સીટો હવે ટાટા સ્ટીલ તૈયાર કરશે. રેલવ તરફથી એસએચબી પ્લેટફોર્મ પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના કોચ નિર્માણનું ટેન્ડર પણ ટાટા સ્ટીલને આપવામાં આવ્યું છે, સાથે જ પેનલ, વિન્ડો અને રેલવેનું સ્ટ્રક્ચર તૈયાર થશે.

ભારતીય રેલ્વેએ ટાટા સ્ટીલને વંદે ભારત રેકના ભાગો બનાવવાનો ઓર્ડર આપ્યો છે. આ ટેન્ડર લગભગ ૧૪૫ કરોડ રૂપિયાનું છે. આ કામ એક વર્ષમાં પૂર્ણ કરવાનું રહેશે. ટાટા સ્ટીલને વંદે ભારત એક્સપ્રેસની ૨૨ ટ્રેનોમાં લગાવવાનો ઓર્ડર મળ્યો છે. આ બલ્ક ઓર્ડર મળ્યા બાદ કંપની વતી કામ કરવાનું શરૂ કરી દીધું છે.

આ અંગે ટાટા સ્ટીલના વાઈસ પ્રેસિડેન્ટ દેબાશીષ ભટ્ટાચાર્યએ જણાવ્યું કે, વંદે ભારત ટ્રેનની સીટો ખાસ રીતે ડિઝાઈન કરવામાં આવી છે. જે ૧૮૦ ડિગ્રી સુધી ફેરવી શકે છે. આ ટ્રેનોમાં એરપોર્ટ જેવી સુવિધાઓ પણ આપવામાં આવે છે. રેલવેમાં ટાટાનો હિસ્સો પણ સતત વધી રહ્યો છે. ટાટા સ્ટીલે રેલવે સાથે સંકલન માટે ઘણા અધિકારીઓની નિમણૂક પણ કરી છે. ટાટા સ્ટીલને મુંબઈ-અમદાવાદ કોરિડોરમાં પણ કામ મળ્યું છે.